મુંબઈઃ બોલીવુડ અભિનેતા અને કોરોનાસંકટમાં પરપ્રાંતિય મજૂરો-કામદારોની મદદ કરીને મસિહા તરીકે જાણીતા થયેલા સોનૂ સૂદના મુંબઈ તથા લખનઉ સ્થિત નિવાસસ્થાનો અને ઓફિસો પર આવકવેરા વિભાગના અધિકારીઓએ ગઈ કાલે ‘ઝડતી’ લેતાં ખળભળાટ મચી ગયો છે. લોકો જુદા જુદા પ્રકારની વાતો અને અટકળો કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર, કરચોરીની ફરિયાદ મળવાને પગલે આવકવેરા વિભાગ સોનૂ સૂદની માલિકીની એક કંપની અને લખનઉની એક રિયલ એસ્ટેટ કંપની વચ્ચે થયેલા એક જમીન સોદામાં તપાસ કરી રહ્યું છે. ઝડતીની કાર્યવાહી ગઈ કાલે સવારે શરૂ કરાઈ હતી અને સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રખાઈ હતી. આવકવેરા વિભાગે હજી સુધી આ મામલે કંઈ જપ્ત કર્યું નથી એવું મનાય છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીની શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓ માટે એમની સરકારે તાજેતરમાં હાથ ધરેલા ‘મેન્ટરશિપ’ કાર્યક્રમ માટે સોનૂ સૂદને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યો છે. સોનૂએ બાદમાં ચોખવટ કરી હતી કે તે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નથી.