નવી દિલ્હીઃ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ સહિત ટ્રસ્ટના સભ્યોએ ગુરુવારે વડા પ્રધાન મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી અને તેમને અયોધ્યા આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પહેલી બેઠક બુધવારે યોજાઈ હતી. ટ્રસ્ટના મહાસચિવ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય તથા ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગિરિ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત બાદ મહંત નૃત્ય ગોપાલ દાસે સંવાદદાતાઓને કહ્યું હતું કે અમે વડા પ્રધાનને અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. વડા પ્રધાન તેમને જણાવ્યું છે કે તેઓ આના પર વિચાર કરશે. જોકે ટ્રસ્ટ દ્વારા ભૂમિ પૂજનની તારીખ હજી નક્કી કરવાની બાકી છે. જોકે એ તારીખ આગામી કેટલાક મહિનાઓમાં થવાની શક્યતા છે. જોકે રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટના સભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી મળ્યા એ એક શિષ્ટાચાર છે. આ દરમ્યાન વિહિપના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે કહ્યું હતું કે રામ નવમીના તહેવાર દરમ્યાન 25 માર્ચતી આઠ એપ્રિલ સુધી રામોત્સવ મનાવવામાં આવશે. આ ઉત્સવ દરમ્યાન વિહિપકાર્યકર્તાઓ દેશભરના 2.75 લાખ ગામડાંમાં જશે, જેમણે રામ મંદિર જન્મભૂમિ આંદોલનમાં યોગદાન આપ્યું છે.
અયોધ્યામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં ન્યાસનું બેન્કનું ખાતું ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રામ જન્મભૂમિ, બાબરી મસ્જિદ કેસનો ચુકાદો સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે નવ નવેમ્બરે આપ્યો હતો. કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ અને કોર્ટના આદેશ મુજબ મોદી સરકારે રામ જન્મભૂમિ માટે 15 સભ્યોના ટ્રસ્ટની રચના કરી હતી. આ ટ્રસ્ટની રચનાની જાહેરાત વડા પ્રધાન મોદીએ લોકસભામાં કરી હતી.