રાજસ્થાનઃ કોંગ્રેસના 99, ભાજપના 60 ધારાસભ્યોની સંપત્તિમાં વધારો

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે માત્ર ચાર દિવસ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ મતદારોને રીઝવવા માટે ચૂંટણીવચનોની લહાણી કરી છે, ત્યારે બંને પક્ષોના વિધાનસભ્યોની સંપત્તિમાં અધધધ વધારો નોંધાયો છે. કોંગ્રેસના 99 અને ભાજપના 60 વિધાનસભ્યોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો હાલમાં આવેલો રિપોર્ટ કહે છે.

વિધાનસભાની ચૂંટણી 2023માં મેદાનમાં ઊતરનારા 173 વિધાનસભાના સોગંદનામા અનુસાર 161 એટલે કે 93 ટકા MLAની સંપત્તિમાં એક ટકાથી માંડીને 19,990 ટકાનો વધારો થયો છે, જ્યારે 13 વિધાનસભ્યોની સંપત્તિમાં એક ટકાથી માંડીને 57 ટકાનો ઘટાડો થયો છે.

વર્ષ 20218ની ચૂંટણીમાં નિર્દલીય સહિત વિવિધ દળો દ્વારા ફરીથી ચૂંટણી લડી રહેલા આ 173 વિધાનસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 7.10 કરોડ હતી, જ્યારે વર્ષ 2023ની ચૂંટણીમાં ફરીથી લડી રહેલા આ વિધાનસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 9.97 કરોડની છે. પાંચ વર્ષોમાં ફરીથી ચૂંટણી લડી રહેલા આ 173 વિધાનસભ્યોની સંપત્તિમાં સરેરાશ આશરે 40 ટકાનો વધારો થયો છે.

બિકાનેરના પૂર્વ સીટથી ભાજપના વિધાનસભ્ય અને ઉમેદવાર સિદ્ધિકુમારીએ સંપત્તિમાં રૂ. 97.61 કરોડના વધારાની જાહેરાત કરી છે.તેમની સંપત્તિ રૂ. 4.66 કરોડ હતી, જે વધીને 2023માં રૂ. 102.27 કરોડ થઈ ગઈ છે. કોંગ્રેસ વિધાનસભ્ય અને ઉમેદવાર પ્રમોદ જૈનની સંપત્તિ પાંચ વર્ષમાં રૂ. 27.31 કરોડથી વધીને 2023માં રૂ. 56.49 કરોડ થઈ હતી. આ સાથે છ નિર્દલીય સભ્યોની સંપત્તિ રૂ. 5.63 કરોડથી 886.89 ટકા વધીને રૂ. 10.53 કરોડ થઈ હતી. એ જ રીતે RLPના ત્રણ વિધાનસભ્યોની સંપત્તિમાં 184.12 ટકા, શિવસેનાના એક વિધાનસભ્યની સંપત્તિમાં 346 ટકા, CPI-Mના વિધાનસભ્યની સંપત્તિમાં 217.94 ટકાનો વધારો થયો છે.