ટ્રેનોમાં રાતે ફોન-લેપટોપ ચાર્જ કરવા નહીં મળે

નવી દિલ્હીઃ સાવચેતીના પગલાંના ભાગરૂપે ટ્રેનોમાં પ્રવાસીઓને રાતના સમયે એમના ફોન, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો ચાર્જ કરવાની સુવિધા બંધ રખાશે. રેલવે વહીવટીતંત્ર ટૂંક સમયમાં જ આ માટે એક આદેશ બહાર પાડવાનું છે. અહેવાલો અનુસાર, રેલવે વહીવટીતંત્રે એવો નિર્ણય લીધો છે કે ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે લોકો એમના મોબાઈલ ફોન તથા અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોને ચાર્જ કરવા માટે અપાતા પોઈન્ટ્સ પર રાતે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી વીજળી સપ્લાય બંધ રાખવો.

ટ્રેનોમાં આગ લાગવાની તાજેતરમાં બનેલી અનેક ઘટનાઓને ધ્યાનમાં લઈને રેલવે વહીવટીતંત્ર આ નિર્ણય પર આવ્યું હોવાનું કહેવાય છે. ગઈ 13 માર્ચે દિલ્હી-દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી અને એનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. પશ્ચિમ રેલવેએ તો ટ્રેનોમાં ચાર્જિંગ પોઈન્ટ્સમાં રાતના સમયે વીજ સપ્લાય બંધ રાખવાનું શરૂ પણ કરી દીધું છે.