નવી દિલ્હીઃ જ્યોતિરાદિત્ય સિંધિયાના પક્ષપલટા મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, કોઈના આવવા જવાથી કોઈ ફરક નથી પડવાનો. હું જ્યોતિરાદિત્ય સિંધિયાને સારી રીતે ઓળખું છું. તેમની સાથે મારી જૂની મિત્રતા છે. અમે બન્ને કોલેજમાં સાથે ભણતા હતા. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, સિંધિયા તેમના રાજનૈતિક ભવિષ્યથી ચિંતિત હતા. એટલે તેમણે પોતાની વિચારધારા ખિસ્સામાં મુકી અને RSS સાથે ચાલ્યા ગયા. જોકે તેમણે જે કર્યું છે, તેનો તેને ટુંક સમયમાં જ અનુભવ થશે. ત્યાં તેમને સન્માન નહીં મળે.
કોરોના વાયરસને લઇને પણ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, મે પહેલા કહ્યું હતું કે કોરોના વાયરસને ગંભીરતાથી લેવો જોઇએ, પરંતુ સરકાર આને ગંભીરતાથી નથી લઇ રહી. મોદી વિચારધારા અર્થવ્યવસ્થાને નષ્ટ કરી રહી છે. નિર્મલા સિતારમણને અર્થવ્યવસ્થાની વધારે ખબર નથી.
હિંદુસ્તાનની અર્થવ્યવસ્થાને સરકારની નિતીઓએ બગાડી છે. અર્થવ્યવસ્થા બગડવાની હજુ તો શરૂઆત થઈ છે. અર્થવ્યવસ્થા પરની માઠી અસરો હજુ દેખવાની બાકી છે. હાલ સ્થિતિએ અર્થતંત્રમાં સુનામીનો માહોલ છે. અમે અર્થવ્યવસ્થાને સારી રીતે જાણીએ છીએ. અર્થવ્યવસ્થા પર PM મોદી કંઈ બોલી નથી રહ્યા. દેશની નબળી અર્થવ્યવસ્થાથી દેશવાસીઓને અસર પડશે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ દેશના આર્થિક સ્થિતિને લઇને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ચૂકી છે. આજે શેર માર્કેટ અને સ્ટૉક માર્કેટમાં જે થયું, તે સૌની સામે છે. શેર માર્કેટ અને સ્ટૉક માર્કેટમાં સતત કડાકો નોંધાઇ રહ્યો છે.