હાથરસ જતા રાહુલને યૂપી પોલીસે પછાડી દીધા, ધરપકડ કરી

લખનૌઃ ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષીય એક છોકરીના પરિવારજનોને મળવા ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે જઈ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઉત્તર પ્રદેશની પોલીસે આજે બપોરે ધરપકડ કરી છે.

રાહુલ અને એમના બહેન પ્રિયંકા ગાંઘી-વાડ્રાના કાર કાફલાને પોલીસોએ યમુના એક્સપ્રેસવે પર અટકાવ્યો હતો. ત્યારબાદ બંને નેતા એમનાં પક્ષના કાર્યકર્તાઓની સાથે હાથરસ જવા માટે પગપાળા નીકળી પડ્યા હતા. માર્ગમાં પોલીસોએ રાહુલને અટકાવ્યા હતા. પોલીસોએ તેમને ધક્કા માર્યા હતા અને જમીન પર પાડી દીધા હતા. યુપી પોલીસના વર્તન અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વહીવટીતંત્ર તેમને અટકાવવાના ગમે તેટલા પ્રયાસો કરે, પરંતુ પોતે હાથરસ જઈને જ રહેશે. જેથી પોલીસે રાહુલ ગાંધીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમની આઇપીસીની કલમ 188 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પોલીસે મને ધક્કો માર્યો હતો, મારી પર લાઠીચાર્જ કર્યો હતો અને મને જમીન પર પાડી દીધો હતો. હું સવાલ કરવા ઇચ્છું છું કેશું માત્ર મોદીજી જ આ દેશમાં ચાલી શકે છે? એક સામાન્ય વ્યક્તિ નથી ચાલી શકતી? અમારા વાહનોને અટકાવવામાં આવ્યાં, એટલે અમે ચાલવાનું શરૂ કર્યું હતું.

આ પહેલાં હાથરસ જતાં પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે યુપીમાં મહિલાઓની સામે અત્યાચાર વધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહિલાઓની જવાબદારી લેવી પડશે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગેન્ગપીડિતાના પરિવારથી મળવા હાથરસ જઈ રહ્યા હતા, બંને નેતાઓ એકસાથે ગાડીમાં હતા. તેમની સાથે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અજયકુમાર લલ્લુ અને અન્ય નેતાઓ હાથરસ માટે રવાના થયા હતા.