પુલવામા ટેરર હુમલામાં શહીદ જવાનોને મોદી, રાજનાથ સિંહે દિલ્હી એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હી – કશ્મીરના પુલવામા જિલ્લાના અવંતિપુરામાં ગઈ કાલે કરવામાં આવેલા ટેરર હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને આજે દિલ્હીના પાલમ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, એમની કેબિનેટના સાથીઓ, કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી સહિત અનેક ટોચના નેતાઓ તેમજ સેનાની ત્રણેય પાંખોના વડાઓએ પણ આ વેળાએ હાજર રહીને પુષ્પચક્ર અર્પણ કરીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. લશ્કરી વડા જનરલ બિપિન રાવત, નૌકાદળના વડા એડમિરલ સુનીલ લામ્બા અને હવાઈ દળના વડા એરચીફ માર્શલ બી.એસ. ધનોઆએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

કશ્મીરમાં શહીદ થયેલા જવાનોનાં પાર્થિવ શરીર આજે C17 વિમાન દ્વારા પાલમ એરપોર્ટના ટેકનિકલ એરિયા ખાતે લાવવામાં આવ્યા હતા.

શહીદ જવાનોના એમના સંબંધિત રાજ્યો તથા મતવિસ્તારોમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યારે હાજર રહેવાની ભાજપશાસિત રાજ્યોના પ્રધાનો તથા સંસદસભ્યોને વડા પ્રધાન મોદીએ સૂચના આપી છે.

પુલવામા જિલ્લાના અવંતિપુરામાં ગુરુવારે બપોરે લગભગ સવા ત્રણ વાગ્યાના સુમારે પાકિસ્તાનસ્થિત જૈશ-એ-મોહમ્મદ સંગઠનના એક આત્મઘાતી હુમલાખોરે 350 કિલોગ્રામ વિસ્ફોટકો ભરેલી કાર સીઆરપીએફના જવાનોને લઈ જતી એક બસ સાથે અથડાવી મારી હતી.