સેનાએ આતંકીઓનો ગઢ શોધી કાઢ્યો, NIA ને માસ્ટરમાઈન્ડ ગાઝીની શોધ…

નવી દિલ્હીઃ પુલવામાં હુમલાની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ આતંકીઓના ખુની ષડયંત્રનો ખુલાસો થઈ રહ્યો છે. એનઆઈએની તપાસમાં ખ્યાલ આવ્યો છે કે જમ્મૂ-શ્રીનગરના નેશનલ હાઈવે પર 20 થી 25 કિલોમીટરના વિસ્તારમાં આતંકીઓનો હોટ બેડ છે. હોટ બેડ એટલે આતંકીઓનો એ વિસ્તાર કે જ્યાં ઘણા વર્ષોથી આતંકીઓ પોતાની જડ મજબૂત કરીને બેઠા છે. હવે સેના અને સુરક્ષા એજન્સીઓની નજર આ હોટ બેડ પર છે. આ હોટ બેડમાં જૈશના ધણા આતંકીઓ છુપાયા હોવાના સમાચારો છે. આતંકીઓનો આ હોટ બેડ પમ્પોર થી પુલવામા વચ્ચે સ્થિત છે.

સુરક્ષા દળો પમ્પોરથી પુલવામા વચ્ચે સ્થિત આ ગામોમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરુ કરી ચૂક્યા છે. સુરક્ષા દળોને પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ રાશિદ ગાઝી અને કામરાનની શોધ છે. માનવામાં આવી રહ્યું છે રાશિદ ગાઝીએ જ હુમલામાં ફિદાયિન બનેલા આદિલ ડારને વિસ્ફોટકો લગાવવામાં અને વિસ્ફોટ કરવા માટે ટ્રેનિંગ આપી હતી. અફઘાનમાં મુઝાહિદ્દીન રહેલો ગાઝી આઈઈડી એક્સપર્ટ માનવામાં આવે છે. ગુપ્તચર એજન્સીઓનું માનીએ તો 11 ફેબ્રુઆરીના રોજ પુલવામા અને રત્નીપુરા ગામમાં સેના સાથે ઘર્ષણમાં ગાઝી બચીને નિકળી ગયો હતો. આ ઘર્ષણમાં એક સ્થાનિય આતંકી માર્યો ગયો હતો જ્યારે ત્રણ આતંકી ભાગી છૂટ્યા હતા.

આ વિસ્તારને ઝીરો-ઈન કરવા માટે સેના અને સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા દળો અને રોડ ઓપરેટિંગ પાર્ટી પર થયેલા જૂના હુમલાઓને ધ્યાનમાં રાખ્યા છે. આ હુમલાને મેપ પર મુકવામાં આવ્યા તો ખ્યાલ આવ્યો કે 2014 થી 2018 વચ્ચે 20 થી 25 કિલોમીટરના આ વિસ્તારમાં કુલ 10 હુમલા થયા છે.

આ જાણકારી પ્રાપ્ત થયા બાદ NIA પુલવામાથી પામ્પોર વચ્ચે સ્થિત આ 20 થી 25 કિલોમીટરના મોબાઈલ ટાવરથી વિસ્તારમાં કરવામાં આવેલા સંદિગ્ધ કોલની ડિટેલ તપાસી રહી છે. એનઆઈએની ટીમ હવે પામ્પોરથી પુલવામા વચ્ચે સેનાના કાફલા પર થયેલા 10 હુમલાની પદ્ધતીને એક્ઝામિન કરી રહી છે.