પુલવામા હુમલોઃ અમેરિકી NSA બોલ્યા- ભારતને પોતાની આત્મરક્ષાનો અધિકાર, અમે ભારત સાથે

નવી દિલ્હીઃ ભારત પુલવામાના આતંકી હુમલા બાદ આ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન અને જૈશ એ મહોમ્મદને જવાબ આપવાની તૈયારીમાં છે. હુમલા બાદ અમેરિકા સહિત દુનિયાના મોટાભાગના દેશ ભારત સાથે ઉભા છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને પણ કહ્યું છે કે ભારતને આત્મરક્ષાનો અધિકાર છે અને આ મામલે અમે ભારત સાથે ઉભા છીએ.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ભારતીય સમકક્ષ અજિત ડોવાલને કહ્યું છે કે અમેરિકા ભારતની આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરે છે. બોલ્ટને જમ્મૂ-કાશ્મીરમાં થયેલા આ આતંકી હુમલા બાદ ડોવાલને ફોન કરીને શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે અમેરિકા ભારત સાથે ઉભુ છે.

તેમણે કહ્યું કે મે અજિત ડોવાલને કહ્યું છે કે અમે ભારતની આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરીએ છીએ. મેં તેમની સાથે 2 વાર વાત કરી છે. આજે સવારે પણ અમેરિકાએ ભારતમાં થયેલા આતંકી હુમલા મામલે શોક વ્યક્ત કર્યો બોલ્ટને કહ્યું કે અમેરિકાનું વલણ એ વાત પર સ્પષ્ટ છે કે પાકિસ્તાનને આતંકીઓ માટે સુરક્ષિત આશરો ન બનવું જોઈએ.

આ પહેલા વ્હાઈટ હાઉસ અને વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે પાકિસ્તાનને પોતાના દેશની આંદર આતંકીઓને આશરો આપવાનું બંધ કરવું જોઈએ. પોમ્પિયોએ ટ્વિટ કરીને કહ્યું હતું કે અમે આતંકવાદનો સામનો કરવા માટે ભારત સાથે ઉભા છીએ. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે સંકટ બનેલા આતંકીઓને આશરો આપવાનું બંધ કરવું જોઈએ.

માત્ર અમેરિકા જ નહી પરંતુ દુનિયાના ઘણા મોટા દેશો આતંકવાદ સામેની લડાઈમાં ભારતને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. સાથે જ આ દેશોએ દુઃખની આ ક્ષણમાં ભારત સાથે ઉભા રહેવાની વાત કહી છે. દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયમાં ગઈકાલે જી-20 દેશોના પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ. વિદેશ સચિવે 25 દેશોના પ્રતિનિધિઓ સાથે વાત કરી અને આ હુમલાની જાણકારી આપી. બેઠકમાં પી-5 દોશો, પાકિસ્તાનને છોડીને તમામ દક્ષિણ એશિયાઈ દેશો અને અન્ય મોટા દેશો જેવાકે જાપાન, જર્મની, અને રિપબ્લિક ઓફ કોરિયાએ ભાગ લીધો.

વિદેશ મંત્રાલયની આ બેઠકમાં યૂરોપિયન યૂનિયન, કેનેડા, બ્રિટન, ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા, જર્મની, હંગેરી, ઈટલી, જાપાન, દક્ષિણ કોરિયા, સ્લોવાકિયા, સ્વીડન, ફ્રાંસ, સ્પેન અને ભૂટાનના પ્રતિનિધિ જોડાયા હતા. આ સીવાય બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

આ પહેલા હુમલા બાદ માર્યા ગયેલા જવાનોના પરિજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરતા અમેરિકી વિદેશ મંત્રાલયના ઉપ પ્રવક્તા રોબર્ટ પૈલાડિનોએ કહ્યું કે પુલવામાંમાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાની અમેરિકાએ કડક શબ્દોમાં નિંદા કરે છે. પાક. સ્થિત આતંકી સમૂહ જૈશ એ મહોમ્મદે આ મામલાની જવાબદારી લીધી છે.

તો વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સૈંડર્સે હુમલા બાદ કહ્યું કે અમેરિકા પાકિસ્તાનને અપિલ કરે છે કે તે પોતાની જમીન પરથી આતંકી ગતિવિધિઓ ચલાવનારા એવા તમામ આતંકી સમૂહોને સમર્થન અને સુરક્ષિત આશરો આપવાનું તુરંત બંધ કરી દે જેમનું લક્ષ્ય ક્ષેત્રમાં અવ્યવસ્થા, હિંસા અને આતંક ફેલાવવાનું છે.