દિલ્હીમાં મળી સર્વદલીય બેઠક, સરકાર અને સેનાને મજબૂત સમર્થનનો ઠરાવ પાસ

નવી દિલ્હીઃ ગૃહપ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતામાં આજે દિલ્હીમાં થયેલી સર્વદલીય બેઠકમાં નેતાઓને પુલવામા હુમલા મામલે જાણકારી આપવામાં આવી. મીટિંગ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ બની આઝાદે કહ્યું કે આખો વિપક્ષ આ મામલે પોતાની સેના અને સરકાર સાથે મજબૂતીથી ઉભો છે.

તો બેઠકની જાણકારી આપતા સંસદીય કાર્યપ્રધાન નરેન્દ્ર તોમરે કહ્યું કે કશ્મીરની સામાન્ય જનતા કે જે રાજ્યમાં શાંતિ ઈચ્છે છે તે લોકો પણ દેશની સાથે ઉભા છે. રાજ્યમાં કેટલાક એવા તત્વો છે કે જે સીમા પારથી સમર્થિત આતંકીઓની મદદ કરે છે અને આવા લોકો કિશ્મીરના દુશ્મન છે. તેઓ કશ્મીરમાં અમન શાંતિ નથી ઈચ્છતાં. દેશ આતંક વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે. જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય.

તોમરે કહ્યું કે બેઠકમાં ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યું છે કે આપણે બધાં એકજુૂટ થઈને આતંકવાદને ઉખાડીને ફેંકી દઈશું. જમ્મૂ-કશ્મીરમાં અમન અને ચેનની સ્થાપના થશે. અલ્પ સૂચના પર દળોના નેતા આવ્યાં તે માટે ગૃહપ્રધાને આભાર વ્યક્ત કર્યો. તમામ દળોના નેતાઓએ મૌન રાખીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

તો કોંગ્રેસના નેતા આઝાદે કહ્યું કે અમે દેશની એકતા અને અખંડતા માટે સરકાર અને સુરક્ષા દળોની સાથે છીએ. કશ્મીર હોય કે પછી દેશનો કોઈપણ અન્ય ભાગ, કોંગ્રેસ પાર્ટી આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં સરકારને પૂર્ણ સમર્થન આપે છે. તેમણે આગળ કહ્યું કે મેં ગૃહપ્રધાનને અનુરોધ કર્યો છે તેઓ વડાપ્રધાન પાસે અમારા દ્વારા નિવેદન કરે કે તેઓ તમામ રાષ્ટ્રીય અને ક્ષેત્રીય દળોના અધ્યક્ષોની મીટિંગ બોલાવીને વિચારવિમર્શ કરે. આઝાદની આ વાતને અન્ય દળોએ પણ સમર્થન આપ્યું.

બેઠકમાં પ્રસ્તાવ પાસ

એક સરકારી નિવેદન અનુસાર કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી સર્વદલીય બેઠકમાં એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે.

1- આ અંતર્ગત 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરવામાં આવી જેમાં સીઆરપીએફના 40 જવાનોનું મૃત્યું થયું. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે, દેશવાસીઓ સાથેસાથે અમે પણ આ દુઃખની ક્ષણમાં શહીદોના પરિવારો સાથે ઉભા છીએ.

2- અમે આતંકવાદના દરેક સ્વરુપની નિંદા કરીએ છીએ.

3- છેલ્લા 3 દશકોથી ભારત સીમા પર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. ભારતમાં ફેલાયેલા આતંકવાદને સીમા પારથી પ્રોત્સાહન મળી રહ્યું છે. ભારત આ પડકારોનો એકસાથે મળીને મુકાબલો કરી રહ્યું છે. આ લડાઈમાં આખો દેશ એક સાથે ઉભો છે. આપણે આતંકવાદ સામેની લડાઈમાં પોતાના સુરક્ષા દળો સાથે પૂરી મજબૂતીથી ઉભા છીએ.

બેઠકમાં ગૃહસચીવ રાજીવ ગૌબા અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના વરિષ્ઠ અધિકારી પણ ઉપસ્થિત હતાં. સંસદ પરિસરમાં થયેલી આ બેઠકમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા, એનસીપીના નેતા શરદ પવાર, લેફ્ટના નેતા ડી.રાજા, શિવસેનાના સંજય રાઉત સહિત કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા પણ ઉપસ્થિત હતા.