લખનઉઃ 403 બેઠકોની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજવાનું નક્કી થયું છે. આજે પહેલા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.91 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ કરાયું હતું. આજે મથુરા, મુઝફ્ફરનગર, મેરઠ, ગાઝિયાબાદ, બાગપત, બુલંદશહર, હાપુડ, શામલી, અલીગઢ, આગરા, ગૌતમ બુદ્ધ નગર સહિત રાજ્યના પશ્ચિમ ભાગના 11 જિલ્લાઓના 58 મતવિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું છે. કડકડતી ઠંડી હોવા છતાં ઘણા મતદારો મતદાન કરવા એમનાં ઘરની બહાર નીકળ્યાં છે. આજનું મતદાન 623 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે. કુલ 2.27 કરોડ મતદારોને આજે મતાધિકાર હાંસલ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મતદાનનો આખરી સાતમો તબક્કો 7 માર્ચે યોજાશે. ત્યારબાદ 10 માર્ચે મતગણતરી કરાશે અને પરિણામ જાહેર કરાશે.
ઉત્તર પ્રદેશમાં હાલ કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ રાજ્યમાં સત્તા ટકાવી રાખવા ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આશાવાદી છે. મોદીએ આજે સવારે એક ટ્વીટ કરીને ઉત્તર પ્રદેશના મતદારોને અપીલ કરી છે કે, ‘મતદાનમાં ઉત્સાહપૂર્વક અને કોવિડ-19ને લગતા નિયંત્રણોના પાલન સાથે ભાગ લેજો. પહેલા મતદાન પછી જલપાન.’
उत्तर प्रदेश विधानसभा चुनाव में आज पहले चरण की वोटिंग है। सभी मतदाताओं से मेरा आग्रह है कि वे कोविड नियमों का पालन करते हुए लोकतंत्र के इस पावन पर्व में बढ़-चढ़कर हिस्सा लें। याद रखना है- पहले मतदान, फिर जलपान!
— Narendra Modi (@narendramodi) February 10, 2022
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની રાજ્યનાં લોકોને અપીલ કરી છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપ, સમાજવાદી પાર્ટી-રાષ્ટ્રીય જનતા દળના જોડાણ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. 2017ની ચૂંટણીમાં, ભાજપે આ 58માંથી 53 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને બે-બે તથા રાષ્ટ્રીય જનતા દળને એક સીટ મળી હતી.