જેટ એરવેઝ ફરી ઉડાન ભરશેઃ વિવિધ પદો માટે મગાવી અરજી

નવી દિલ્હીઃ ત્રણ વર્ષ બંધ રહ્યા પછી જેટ એરવેઝ ફરી એક વાર વર્ષ 2022માં ઉડાન ભરવા માટે સજ્જ થઈ રહી છે. એરલાઇન કંપનીએ વિવિધ પોસ્ટ માટે હાયરિંગ શરૂ કરી દીધું છે. કંપનીએ તાજા પોસ્ટમાં કહ્યું હતું કે એરલાઇન્સ માટે ટ્રેનર, કેપ્ટન અને કો-પાઇલટ માટેનાં ખાલી પદોએ ભરવા માટે ભરતી શરૂ કરી છે. કંપનીની આ નોકરીની જાહેરાત એરલાઇન્સ કોઈ પણ સમયે ફરીથી શરૂ થવા માટે તૈયાર છે.

જેટ એરવેઝ 17 એપ્રિલ, 2019એ રોકડખેંચને કારણે બંધ થઈ હતી. એનું નેતૃત્વ એના સ્થાપક નરેશ ગોયલે  25થી વધુ વર્ષો સુધી કર્યું હતું. જોકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના જાલાન-કાર્લોક કોન્સોર્શિયમે કંપની માટેના ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી, જેમાં બ્રિટિશ રોકાણકર્તા કાર્લરોક કેપિટલ મેનેજમેન્ટ અને UAE સ્થિત ઉદ્યોગ સાહસિક મુરારી લાલ જાલાન સામેલ હતા.

જાલાન-કાર્લોક કેપિટલ કોન્સોર્શિયમે કહ્યું હતું કે કંપની 2022માં છ મહિનામાં ફરીથી ઉડાન ભરે એવી અપેક્ષા છે. કોન્સોર્શિયમે સંપત્તિના વેચાણની પ્રક્રિયા અને રોકડપ્રવાહ થકી આવતાં પાંચ વર્ષોમાં લેણદારોને રૂ. 1183 કરોડની ચુકવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

કંપનીએ લેણદારોને બાકી લેણાં ચૂકવવા માટે પહેલાં બે વર્ષમાં રૂ. 600 કરોડની રોકાણની યોજના બનાવી છે. આ ઉપરાંત કોન્સોર્શિયમે લેણદારોને એ પછીના ત્રણ વર્ષોમાં અનુક્રમે રૂ. 131 કરોડ, રૂ. 193 કરોડ અને રૂ. 259 કરોડ કરોડ ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.