ભારતમાં પ્રથમ કોરોના-વિરોધી નેસલ સ્પ્રે લોન્ચ કરાયું

નવી દિલ્હીઃ ભારતમાં પુખ્ત વયનાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના દર્દીઓની સારવાર માટે સૌપ્રથમ નેસલ સ્પ્રે લોન્ચ કરવામાં આવ્યું છે. નાકમાં લેવાનારું આ સ્પ્રે મુંબઈસ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે કેનેડાની કંપની સેનોટાઈઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે સહયોગ કરીને બનાવ્યું છે.

નાઈટ્રિક ઓક્સાઈડ સ્પ્રે ભારતમાં ફેબિસ્પ્રે નામ સાથે ઉપલબ્ધ થશે. જે પુખ્ત વયનાં લોકોને કોરોના ચેપી બીમારીનું સૌથી વધારે જોખમ હશે તેઓ આ સ્પ્રે લઈ શકશે. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આ સ્પ્રે કોવિડ-19 વાઈરસને શ્વાસનળીના ઉપલા ભાગમાં જ ખતમ કરી નાખવા સક્ષમ છે. આ સ્પ્રે SARS-CoV-2 વાઈરસ ઉપર સીધી વિષાણુનાશક અસર કરતા એન્ટી-માઈક્રોબિયલ ગુણધર્મ માટે સિદ્ધ થયું છે. આ નેસલ સ્પ્રેનું ઉત્પાદન અને માર્કેટિંગ કરવા માટે ગ્લેનમાર્ક કંપનીને દેશના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી પ્રાપ્ત થઈ છે.