ગુરુગ્રામમાં દેશનું પહેલું LPG ATM શરૂ

નવી દિલ્હીઃ જો તમે ગુરુગ્રામમાં રહેતા હો અને હાલ ચાલી રહેલા LPG (એલપીજી) સપ્લાય સંકટ દરમિયાન સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હો, તો તમે સોહના સેક્ટર-33 સ્થિત સેન્ટ્રલ પાર્ક ફ્લાવર વેલી જઈ શકો છો, જ્યાં પ્રથમ વખત “ગેસ ATM” તરીકે ઓળખાતા LPG વેન્ડિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે.

આ વેન્ડિંગ મશીન, જે દિલ્હી-NCR માટે ભારત ગેસ (BPCL)નો પાયલોટ પ્રોજેક્ટ છે, ગ્રાહકોને ખાલી સિલિન્ડર બદલામાં તરત જ ભરેલું સિલિન્ડર આપે છે, એટલે કે તમને માત્ર તમારું ખાલી સિલિન્ડર લાવવું અને તેને ભરેલા સિલિન્ડર સાથે બદલીને ઘરે લઈ જઈ શકાય છે.

આ ઓટોમેટિક અને કોન્ટેક્ટલેસ મશીનમાં ગ્રાહકોએ પોતાનો મોબાઇલ નંબર દાખલ કરવો, QR કોડ સ્કેન કરવો અને પેમેન્ટ કરવું પડે છે. પેમેન્ટ થયા પછી થોડી જ મિનિટોમાં નવું સિલિન્ડર બહાર આવી જાય છે. “ગેસ ATM” ખાસ કોમ્પોઝિટ સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવે છે, જે પરંપરાગત લોખંડના સિલિન્ડર કરતાં હલકા અને વાપરવામાં સરળ છે. સામાન્ય સિલિન્ડરનું વજન લગભગ 30 કિલોગ્રામ હોય છે, જ્યારે નવા ફાઇબર સિલિન્ડર લગભગ 15 કિલોગ્રામના હોય છે. તેમની બોડી પારદર્શક હોય છે, જેથી ગ્રાહકો સરળતાથી ગેસનું લેવલ જોઈ શકે છે.

આ ATMમાં એક સમયે અંદાજે 10 સિલિન્ડર રાખી શકાય છે. જ્યારે સ્ટોક ઘટીને બે સિલિન્ડર જેટલો રહે છે, ત્યારે સિસ્ટમ આપમેળે એજન્સીને સ્ટોક ફરી ભરવા માટે સૂચના મોકલે છે. સેવા વધુ સુલભ બને તે માટે આ સુવિધા 24×7 ઉપલબ્ધ રાખવામાં આવી છે.

હાલમાં લોકો આ યોજનાથી સંપૂર્ણ રીતે પરિચિત નથી, તેથી અત્યાર સુધી મશીનમાંથી થોડા જ સિલિન્ડર લેવામાં આવ્યાં છે.

ભારત ગેસના ગ્રાહકો મોબાઇલ નંબર દાખલ કરીને, OTP દ્વારા વેરિફિકેશન કરીને, QR કોડ સ્કેન કરી અને UPI અથવા ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરીને નવું સિલિન્ડર મેળવી શકે છે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ સાબિત થાય, તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઊભી થયેલી LPG સપ્લાયની અછત વચ્ચે દેશનાં અન્ય શહેરોમાં પણ આવી મશીનો સ્થાપિત કરવામાં આવે એવી શક્યતા છે.