ગાંધીનગર: 19મી માર્ચના રોજ વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાયો, મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જીઈ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ અને ગાજવીજની સંભાવના છે.
અમદાવાદમાં વહેલી સવારથી ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના બનાવો બન્યા છે. ઊજાલા અને વણઝર જેવા વિસ્તારોમાં ભારે પવનને કારણે લાઈટો ગુલ થઈ ગઈ હતી. ઝાડ પડવાના કોલ મળતા જ તાત્કાલિક સ્થળ પરથી ઝાડ હટાવી રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હવામાન વિભાગ દ્વારા 19 અને 20 માર્ચ એમ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 માર્ચના રોજ રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં મહત્તમ તાપમાનની અંદર આગામી 2 દિવસ એટલે કે, 20 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળશે, એટલે કે ગરમીથી લોકોને રાહત મળશે.




