તમે ક્યારેય વિચાર કર્યો છે કે આપણા ઘરે નોકર તરીકે કામ કરતી વ્યક્તિઓ ખરેખર આપણી સંપત્તિ કહેવાય? તેઓ આપણી રોજિંદી અનેક
જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. જ્યારે તેઓ રજા પર જાય છે, ત્યારે આપણો આખો દૈનિક ક્રમ ખોરવાઈ જાય છે. આપણે તેમના કામને કારણે જે માનસિક શાંતિ અને નિરાંત અનુભવીએ છીએ, તેનું મૂલ્ય તેમને ચૂકવાતા પગારથી ક્યારેય માપી શકાતું નથી.
આપણે હવે જાણીએ છીએ કે યોગિક વેલ્થ કિંમત કરતાં મૂલ્યને વધારે મહત્ત્વ આપે છે. આપણે ઘરનોકરોને પગાર ચૂકવીએ છીએ, પરંતુ તેના બદલામાં આપણને જે માનસિક શાંતિ, સુરક્ષાની લાગણી અને સ્વસ્થતા મળે છે, તે તેનું સાચું મૂલ્ય છે. આપણા શાસ્ત્રોએ પણ કિંમત અને મૂલ્ય વચ્ચેનો તફાવત સુંદર રીતે સમજાવ્યો છે.
આ કટારમાં આપણે અગાઉ ભગવદ્ ગીતાના મૂલ્ય અને મોબાઇલ હેન્ડસેટની કિંમત વિશે ચર્ચા કરી છે. કિંમતની દૃષ્ટિએ મોબાઇલ હેન્ડસેટ મોંઘો હોઈ શકે, પરંતુ મૂલ્યની દૃષ્ટિએ ભગવદ્ ગીતા અમૂલ્ય છે. ભગવદ્ ગીતાને ક્યારેય કિંમતના આધારે માપી શકાતી નથી.
અમારા ઘરમાં લગભગ ચાળીસ વર્ષ સુધી કામ કરનારાં એક બહેન હતાં. અમારું આખું ઘર તેમના ભરોસે જ ચાલતું હતું. પરિવારની કોઈ વ્યક્તિ ઘરે હોય કે ન હોય, ઘરની ચિંતા રહેતી નહોતી. ઘરમાં નાનું કે મોટું કોઈ એકલું હોય તો પણ તેની કાળજી વિશે નિશ્ચિંત રહી શકાતું હતું.

અમારા મિત્રો અને સંબંધીઓ પણ તેમને સારી રીતે ઓળખતા હતા. તેઓ પરિવારના સભ્ય સમાન બની ગયાં હતાં. તેમનું અવસાન તેમના વતનમાં થયું. ઘણા દિવસો સુધી અમે એ સ્વીકારી શક્યા નહોતા કે હવે તેઓ અમારી વચ્ચે નથી.
આ જ રીતે અમારા બિલ્ડિંગમાં એક વૉચમેન હતા. મારા જન્મ સમયે તેઓ જ કાર ચલાવીને મને ઘરે લાવ્યા હતા. મારા લગ્ન વખતે પણ તેમણે જ કાર ચલાવી હતી. એટલું જ નહીં, મારી દીકરીનો જન્મ થયો ત્યારે પણ તેમણે જ અમને હોસ્પિટલથી ઘરે પહોંચાડ્યા હતા.
અમારું ઘર તેમણે જ બતાવ્યું હતું, એ વાતનો તેમને ઘણો ગર્વ હતો. હાલમાં તેઓ નિવૃત્ત થયા છે, છતાં આજે પણ અમારા ઘરે આવે છે. તેમના માટે અમારું ઘર તેમનું જ ઘર છે. તેઓ સીધા રસોડામાં જઈને ચા બનાવી લે છે અને રસોઈયાને બધાના ભોજન વિશે સૂચનાઓ પણ આપી દે છે.
તેઓ હાઉસિંગ સોસાયટીના કર્મચારી હતા, એટલે અમે તેમને સીધો પગાર આપતા નહોતા. આમ, અમારી વચ્ચેનો સંબંધ કોઈ આર્થિક વ્યવહાર પર આધારિત નહોતો.

મારી માતા બીમાર હતાં ત્યારે તેમની પત્નીએ ગામમાં રહીને પણ મારી માતાના સ્વાસ્થ્ય માટે ઉપવાસ રાખ્યા હતા. આથી ભારપૂર્વક કહેવું છે કે નોકરોને માત્ર કર્મચારી તરીકે જોવું યોગ્ય નથી. તેમનું મૂલ્ય તેમને ચૂકવાતા પગારથી ક્યારેય માપી શકાતું નથી.
જો બહાર મુશળધાર વરસાદ વરસતો હોય અથવા આપણને સારું ન લાગતું હોય અને ડ્રાઇવર આપણને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડે, તો એ સેવા અને નિષ્ઠાનું મૂલ્ય શું પગારથી માપી શકાય?

મારા સાસરામાં પણ એક વૃદ્ધ ડ્રાઇવર છે. તેમને કામ કરતાં કરતાં ચાલીસ વર્ષ થઈ ગયાં છે. મારી દીકરી ક્યારેક રાત્રે બહાર ગઈ હોય અને પરત આવવામાં મોડું થવાનું હોય, ત્યારે તેને ઘરે લાવવાની જવાબદારી અમે આ ડ્રાઇવરને જ સોંપીએ છીએ.
અમે તેમને મહેનતાણું ચૂકવીએ છીએ, પરંતુ શું એ તેમની સેવાની સાચી કિંમત છે? પોતાનું બાળક કોઈ વિશ્વાસુ વ્યક્તિના કારણે સહીસલામત ઘરે પહોંચે, તેના મૂલ્યની સામે આપણે કોઈ કિંમત ચૂકવી જ શકતા નથી. આપણી કાળજી રાખનારા લોકો અને ઘરનોકરો પણ આપણી સંપત્તિ છે. યોગિક વેલ્થમાં તેમનો પણ સમાવેશ થાય છે.
આ કટારનો હેતુ એ જ છે કે યોગિક વેલ્થના વિવિધ સ્વરૂપો પરનો પડદો ઉઠાવવો અને સમજાવવું કે એ બધું આપણા માટે કેટલું આશીર્વાદરૂપ છે. જો આપણે આપણી સંપત્તિને માત્ર બેંક બેલેન્સ, રોકાણો અને ભૌતિક સાધનોની દૃષ્ટિએ જ જોઈશું, તો જીવનનું અધૂરું ચિત્ર જ સામે આવશે. ખરી સંપત્તિ તો વિવિધ સ્વરૂપે આપણી આસપાસ રહેલી યોગિક વેલ્થ છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)






