આંતરરાષ્ટ્રીય-પ્રવાસીઓ માટે હવે RT-PCR રિપોર્ટ આવશ્યક નહીં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશના એરપોર્ટ અને બંદર ખાતે આગમન કરનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. સરકારે અનેક નિયમોને હટાવી લીધા છે અને હળવા બનાવી દીધા છે. જેમ કે, ભારતમાં આગમન કરે એના 72-કલાક પહેલાં પોતે કોરોના નેગેટિવ હોવાનું દર્શાવતો RT-PCR રિપોર્ટ સાથે રાખવાનો નિયમ હવે આવા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન્સમાં બંધનકર્તા રહ્યો નથી. આવા પ્રવાસીઓ કોરોના-વિરોધી રસી લીધાનું દર્શાવતું એમનું સંપૂર્ણ વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવી શકશે.

વધુમાં, સરકારે કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધારે સંખ્યામાં ધરાવતા અનેક દેશો માટેના ‘એટ રિસ્ક’ માર્કિંગને પણ હવે હટાવી દીધું છે. તે ઉપરાંત સાત-દિવસના ફરજિયાત ક્વોરન્ટિન નિયમને પણ દૂર કરી દીધો છે. એને બદલે પ્રવાસીઓએ ભારતમાં આગમન કર્યા બાદના 14 દિવસ સુધી એમના આરોગ્ય પર જાતે જ નિરીક્ષણ રાખવાનું રહેશે.