ATFમાં ભાવવધારાથી ફ્લાઇટ્સની ટિકિટમાં વધારો થવાની શક્યતા

નવી દિલ્હીઃ મહિનાના પ્રારંભે હવાઈ પ્રવાસ કરતા પેસેન્જરો માટે માઠા સમાચાર છે. કેન્દ્ર સરકારે ATFની કિંમતોમાં વધારો કર્યો છે. એની સીધી અસર હવાઈ પ્રવાસ કરતા પેસેન્જરો પર પડશે. પ્રતિ મહિનાની પહેલી તારીખે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરથી માંડીને ATFની કિંમતોમાં ફેરફાર થાય છે. આ વખતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે. જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો હાલ સ્થિર છે. આમ આવનારા સમયમાં એર ફ્લાઇટસની ટિકિટમાં વધારો થવાની વકી છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા કિંમતોની સમીક્ષા કરવામાં આવે છે. IOCએ એર ફ્યુઅલની કિંમતોમાં રૂ. 4842.37નો વધારો કર્યો છે, જેથી દિલ્હીમાં એની કિંમત વધીને કિલોદીઠ રૂ. 1,20,362.64 થઈ રહી છે. કોલકાતામાં એ કિલોદીઠ રૂ. 1,27,023.83, ચેન્નઈમાં રૂ. 1,24,998.48 અને મુંબઈમાં રૂ. 1,19,266.36 થયા છે. જોકે ગયા મહિને IOCએ ATFની કિંમતોમાં 4.5 ટકાનો ઘટાડો કર્યો હતો.

ATFની કિંમતોમાં આ વર્ષે ચાર વાર કાપ મૂકવામાં આવ્યો હતો. આ કાપ વૈશ્વિક ક્રૂડ માર્કેટમાં ક્રૂડની કિંમતો નરમ રહેતાં કરવામાં આવ્યો હતો. ATFની કિંમતો દર મહિનાની પહેલી અને 16મી તારીખે સંશોધિત કરવામાં આવે છે. આમાં પહેલી વાર 16 જુલાઈએ કિંમતોમાં 2.2 ટકા ઘટ્યા હતા, જ્યારે એક જુલાઈએ કિંમતોમાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.  જોકે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં મંગળવારે રૂ. 115નો કાપ મૂકવામાં આવ્યો હતો. જોકે ATFની એરલાઇન્સની કુલ કિંમતોમાં આશરે 40 ટકા હિસ્સો હોય છે.