કશ્મીરમાં 4 ત્રાસવાદી ઠાર; એક વિદેશી હતો

શ્રીનગરઃ આતંકવાદ સામેના જંગમાં જમ્મુ-કશ્મીર પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષા જવાનોએ કુલ બે એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીને ઠાર માર્યા છે અને ત્રણની ધરપકડ કરી છે. એમની પાસેથી શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો છે જે કબજે કરવામાં આવ્યો છે.

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિજયકુમારે કહ્યું છે કે દક્ષિણ આફ્રિકાના પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં થયેલી અથડામણમાં સુરક્ષા જવાનોએ એક વિદેશી આતંકવાદી સહિત પાકિસ્તાનસ્થિત લશ્કર-એ-તૈબા આતંકવાદી સંગઠનના ત્રણ ત્રાસવાદીને ઠાર માર્યા હતા. એક સ્થાનિક આતંકવાદી હતો – મુખ્તાર ભટ જે સીઆરપીએફના એક સહાયક સબ-ઈન્સ્પેક્ટર અને આરપીએફના બે જવાનની હત્યાના બનાવમાં સંડોવાયેલો હતો. ઠાર મરાયેલા ત્રાસવાદીઓ સુરક્ષા દળ પર મોટો આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં હતા.