US ટ્રેડ ડીલમાં ટ્રમ્પે PoK, અક્સાઈ ચિન ભારતનો હિસ્સો દર્શાવ્યો

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલના ફ્રેમવર્કની જાહેરાત સાથે એક બીજી બાબતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા ભારતના નકશાએ પાકિસ્તાનને અસહજ કરી દીધું છે અને કૂટનૈતિક વર્તુળોમાં નવી ચર્ચા શરૂ કરી છે.

ટ્રેડ ડીલની માહિતી જાહેર કરતી વખતે અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસે ભારતનો જે સત્તાવાર નકશો શેર કર્યો છે, તેમાં સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચિનને ભારતનો ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ પગલું અમેરિકાના અગાઉના વલણથી અલગ માનવામાં આવે છે.

જોકે ભારતની પ્રાદેશિક અખંડિતતાને કોઈ બાહ્ય મંજૂરીની જરૂર નથી. ભારત હંમેશાં સ્પષ્ટ કહી ચૂક્યું છે કે જમ્મુ-કાશ્મીર તેનો અભિન્ન ભાગ છે. છતાં અમેરિકાની તરફથી આ પ્રકારનો નકશો જાહેર થવો પાકિસ્તાન માટે મજબૂત રાજકીય અને કૂટનીતિક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ નકશામાં સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર વિસ્તાર, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ સામેલ છે, તેને ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, અક્સાઈ ચિનને પણ ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. અક્સાઈ ચિન પર ચીન લાંબા સમયથી દાવો કરતું આવ્યું છે. ભારત સતત કહે છે કે જમ્મુ-કાશ્મીર તેનો અભિન્ન ભાગ છે, પરંતુ અમેરિકા દ્વારા પહેલી વાર નકશામાં PoKને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

આ નકશો તેવા સમયમાં જાહેર થયો છે જ્યારે ભારત અને અમેરિકા તણાવપૂર્ણ સમયગાળા પછી ફરી સંબંધોને સંતુલિત કરવાની કોશિશ કરી રહ્યા છે. અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર 50 ટકા સુધીનો ટેરિફ લગાવ્યો હતો, જે સહયોગી દેશોમાં સૌથી વધુ હતો. હવે ટ્રેડ સમજૂતીમાં તેને ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. આ નકશાને કારણે પાકિસ્તાન અને ચીનને રાજકીય ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવે છે. અક્સાઈ ચિનને ભારતનો ભાગ બતાવવો ચીન માટે ખાસ અસ્વસ્થતા સર્જનાર છે.

આ નકશો કેમ મહત્વનો છે?

અત્યાર સુધી અમેરિકાના વિદેશ વિભાગ અથવા અન્ય સત્તાવાર એજન્સીઓ દ્વારા જાહેર થતા નકશાઓમાં PoK અંગે સ્પષ્ટ સીમા દર્શાવવામાં આવતી હતી જેથી પાકિસ્તાનની આપત્તિઓને સંતુલિત રાખી શકાય. પરંતુ ટ્રમ્પ પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા તાજા નકશામાં પાકિસ્તાનના દાવાઓને સંપૂર્ણ અવગણવામાં આવ્યા હોય એવું જણાય છે.