રાષ્ટ્રપતિ કોવિંદે સંસદમાં રજૂ કર્યો મોદી 2.0 નો એજન્ડા, માગ્યો સહયોગ

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ હતું. રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારના એજન્ડાને રજૂ કરતા તમામ દળો પાસે તીન તલાક અને હલાલા જેવી કુપ્રથાઓને ખતમ કરવા માટે સહયોગ માગ્યો છે. તેમણે મોદી સરકાર 2.0ને ગરીબો, ખેડૂતો, જવાનો માટે સમર્પિત ગણાવતાં કહ્યું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા સુધીમાં આપણે વિકાસના નવા ધોરણોને પ્રાપ્ત કરી લેશું. તેઓએ કહ્યું કે આતંકવાદના મુદ્દે દુનિયા ભારતની સાથે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાનો તેનો મજબૂત પુરાવો છે. સરકાર પહેલાં દિવસથી જ સમાજની છેલ્લાંમાં છેલ્લી વ્યક્તિ સુધી સુવિધાઓ પહોંચાડવા માટે સમર્પિત છે.

કોવિંદે કહ્યું, મહાત્મા ગાંધીની જયંતીની 150મી જયંતી પછી 17મી લોકસભાના પહેલાં સત્રને સંબોધતા મને ખુશી થઈ રહી છે. મતદાન કરવા માટે લોકો ભીષણ ગરમીમાં પણ લાઈનોમાં ઉભા રહ્યા હતા. આ વખતે મહિલાઓની ભાગીદારી વધી છે. તે માટે દરેક મતદાતા શુભેચ્છાના હકદાર છે.

મોદી 2.0માં બનશે ગુરુવર રવીન્દ્રનાથ ટાગોરનું આદર્શ ભારત

રામનાથ કોવિંદે કહ્યું કે, આ નવું ભારત રવીન્દ્રનાથ ટાગોરનું એ સમયના આદર્શ ભારત તરફ આગળ વધશે, જ્યાં લોકો ચિંતા અને ભયમુક્ત હશે અને આત્મ સમ્માન સાથે જીવતા હશે. નવા ભારતના આ માર્ગે પર તમામ વ્યવસ્થાઓ પારદર્શી હશે અને ઈમાનદાર લોકોની પ્રતિષ્ઠા વધુ વધશે. મારી સરકાર પહેલાં દિવસથી જ દરેક દેશવાસીઓનું જીવન સુધારવા, કુશાસનથી સર્જાયેલી તેમની મુશ્કેલીઓ દૂર કરવા અને સમાજની છેલ્લી હરોળમાં ઉભા રહેલા વ્યક્તિ સુધી દરેક સુવિધા પહોંચાડવાના લક્ષ્ય માટે સમર્પિત છે.

ખેડૂતો અને દુકાનદારો પર ફોકસ

કોવિંદે કહ્યું દરેક ખેડૂત સુધી વડાપ્રધાન કિસાન સમ્માન નિધિ પહોંચશે. જે ખેડૂત આપણાં અન્નદાતા છે, તેમની સમ્માન રકમ હવે વડાપ્રધાન કિસાન સમ્માન અંતર્ગત દરેક ખેડૂત સુધી પહોંચાડવામાં આવશે. પહેલી વાર કોઈ સરકારે નાના દુકાનદારની આર્થિક સુરક્ષા ઉપર પણ ધ્યાન આપ્યું છે. કેબિનેટની પહેલી બેઠકમાં જ દુકાનદારો અને રિટેલ ટ્રેડર્સ માટે એક અલગ પેન્શન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો લાભ 3 કરોડ નાના દુકાનદારોને મળશે.

દરેક ઘરે પાણી પહોંચાડવા પર હશે મોદી 2.0 નું ફોક્સ

ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના વધતા પ્રભાવના કારણે આવનારા સમયમાં જળસંકટ વધારે વધવાની શક્યતા છે. આજે દેશની માગણી છે કે, જે રીતે દેશે સ્વચ્છ ભારત અભિયાન વિશે ગંભીરતા દાખવી છે તેવી જ રીતે જળ સંરક્ષણ વિશે પણ ગંભીરતા દાખવવી પડશે. આપણે આપણાં બાળકો અને આવનારી પેઢી માટે પાણી બચાવવાનું છે. નવા જળશક્તિ મંત્રાલયનું સર્જન આ દિશામાં એક નિર્ણાયક પગલું છે. તેના આવનારા સમયમાં ઘણાં લાભ થશે.

કૃષિ ક્ષેત્રમાં થશે 25 લાખ કરોડ સુધીનું રોકાણ

સંયુક્ત સત્રને સંબોધિત કરતા કોવિંદે કહ્યું કે, ગ્રામીણ ભારતને મજબૂત બનાવવા માટે મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે આવનારા વર્ષોમાં રૂ. 25 લાખ કરોડનું વધુ રોકાણ કરવામાં આવશે. દેશમાં દરેક બહેન દીકરી માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરવાના હેતુથી ત્રિપલ તલાક અને નિકાહ-હલાલા જેવી કુપ્રથાઓ બંધ કરવામાં આવશે. હું મારા સભ્યોને કહીશ કે તેઓ આપણી બહેન-દીકરીઓના જીવનને વધારે સારુ બનાવવાના પ્રયત્નોમાં તેમનો સહયોગ આપે.

ચંદ્ર પર યાન ઉતારવાની તૈયારી

કોવિંદે કહ્યું કે- ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2022 સુધીમાં લગભગ 35 હજાર કિલોમીટર નેશનલ હાઈવેનું નિર્માણ કે અપગ્રેડેશન કરાશે. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કાંઠાવાળા વિસ્તારોમાં અને પોર્ટની આસપાસ સારા રસ્તાઓ પાથરવામાં આવશે. આપણાં વૈજ્ઞાનિક ચંદ્રયાન 2ના લોન્ચની તૈયારીમાં છે. ચંદ્રમા પર પહોંચનારું ભારતનું આ પહેલું અંતરિક્ષ યાન હશે. 2022 સુધીમાં ભારતના સ્વનિર્મિત ગગન યાનમાં પહેલાં ભારતીયને સ્પેસમાં મોકલવાના લક્ષ્ય તરફ પણ ઝડપથી કામ થઈ રહ્યું છે.

આતંકવાદ પર આખું વિશ્વ ભારતની સાથે

આજે આતંકવાદના મુદ્દે આખું વિશ્વ ભારતની સાથે છે. દેશમાં મોટા આતંકી હુમલા માટે જવાબદાર મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો જે સૌથી મોટું પ્રમાણ છે. સરકાર વિદેશોમાં વસેલા તથા ત્યાં કાર્યરત ભારતીયોના હિતોની રક્ષા પ્રત્યે સજાગ છે. આજે વિદેશમાં જો કોઈ ભારતીય સંકટમાં ફસાય છે તો તેને તાત્કાલિક મદદ અને રાહતનો ભરોસો મળે છે. આજે સમયની માગ છે કે એક રાષ્ટ્ર, એક ચૂંટણીની વ્યવસ્થા લાવવામાં આવે જેથી દેશનો વિકાસ તેજીથી થઈ શકે અને લોકોને ફાયદો પણ મળે.

ઈઝ ઓફ ડૂઈગ બિઝનેસમાં ટોપ 50માં થશે સામેલ

વડાપ્રધાન મુદ્રા યોજના અંર્તગત સ્વરોજગાર માટે અંદાજે 19 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. આ યોજનાનું વિસ્તરણ કરતાં હવે 30 કરોડ લોકોને તેનો લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉદ્યોગો માટે રૂ. 50 લાખની લોન કોઈ પણ ગેરંટી વગર આપવાની યોજના પણ લાવવામાં આવશે.

કાળા ધન વિરૂદ્ધ ઝૂંબેશ વધુ તેજ થશે

કોવિંદના જણાવ્યા મુજબ- GST લાગુ થવાથી એક દેશ, એક ટેક્સ, એક બજારનો વિચાર સાકાર થયો છે. GSTને વધુ સરળ બનાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે. કાળા ધન વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલા અભિયાનને વધુ તેજ ગતિથી આગળ વધારવામાં આવશે. ગત 2 વર્ષમાં 4 લાખ 25 હજાર નિદેશકોને અયોગ્ય જાહેર કરાયાં છે અને 3 લાખ 50 હજાર સંદિગ્ધ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરાયું છે.

ઈન્સોલવન્સી અ બેંકરપ્સી કોડ દેશના સૌથી મોટા આર્થિક સુધારા

ઈન્સોલવન્સી અને બેંકરપ્સી કોડ દેશના સૌથી મોટા અને પ્રભાવી આર્થિક સુધારાઓમાંથી એક છે. આ કોડના અમલમાં આવવાથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી બેંકો તેમજ અન્ય નાણાકીય સંસ્થાનોની સાડા 3 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમનું સમાધાન થયું છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરના કારણે અત્યાર સુધીમાં 1 લાખ 41 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જવાથી બચ્યાં છે. લગભગ 8 કરોડ ખોટાં લાભાર્થીઓના નામ હટાવવામાં આવ્યાં છે.