હરિયાણામાં કોન્ગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની શક્યતા

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણી માટે આપ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની શક્યતા છે. રાહુલ ગાંધી ગઠબંધનની તરફેણમાં છે. હરિયાણામાં ચૂંટણી પહેલાં કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓમાં મતભેદો છે, જેમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, કુમારી શેલજા અને રણદીપ સૂરજેવાલા સામેલ છે.

હરિયાણામાં વિધાનસભા ચૂંટણી અંગે વ્યૂહરચના નક્કી કરવા કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં  કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગઠબંધન સાથે ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. આ બેઠકમાં તેમણે સવાલ કર્યો હતો કે એકલા ચૂંટણી લડવાથી નુકસાન નહીં થાયને?  શું ગઠબંધનની કોઈ સંભાવના છે?

એ સવાલનો જવાબ આપતાં ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યું હતું કે આમ આદમી પક્ષ સૌથી વધુ બેઠક માગી રહી છે, જેથી તેની સાથે ગઠબંધન કરવું મુશ્કેલ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આપ પક્ષને ત્રણથી ચાર બેઠક આપી શકીએ, પરંતુ તેની આપ વધુ બેઠકો માગી રહ્યો છે, જેથી તેની સાથે ગઠબંધન કરવું મુશ્કેલ છે. જેના પર ગાંધીએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનના મતો વહેંચાય ન જાય તેવો પ્રયાસ આપણે સૌએ કરવો જોઈએ. તમે લોકો તેના માટે યોગ્ય માર્ગ શોધી કાઢો. આપ પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડવાથી કોંગ્રેસને લાભ થશે અને બંને પાર્ટીઓ અલગ-અલગ લડશે તો નુકસાન ભોગવવું પડશે.

કોંગ્રેસ નેતા કુમારી શૈલજાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રાજ્યમાં અમારો પક્ષ મજબૂત ખેલાડી છે અને એકલા હાથે ચૂંટણી લડશે. આ વર્ષની શરૂઆતમાં દિલ્હીના CM કેજરીવાલે કહ્યું હતું કે આપ હરિયાણાની તમામ 90 બેઠક પર પોતાની તાકાત સાથે ચૂંટણી લડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ કહ્યું છે કે હરિયાણામાં આપ સાથે કોઈ ગઠબંધન નહીં થાય.