રાજકીય સંકટઃ સોરેન વિધાનસભ્યોને લઈને છત્તીસગઢ રવાના

રાંચીઃ ઝારખંડમાં વારંવાર રાજકીય દ્રશ્ય બદલાઈ રહ્યું છે. ઝારખંડમાં રાજકીય સંકટની વચ્ચે મુખ્ય પ્રધાન હેમંત સોરેને શનિવારે રાંચીમાં સતારૂઢ ગઠબંધનના સભ્યોની બેઠક બોલાવી હતી. સતારૂઢ UPAનાં નજીકનાં સૂત્રોના જણાવ્યાનુસાર આ બેઠકમાં વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. જેથી એની ખાતરી કરી શકાય કે સરકારને માથે કોઈ જોખમ નથી. મુખ્ય પ્રધાન હેમંત સોરેન બધા વિધાનસભ્યોને ત્રણ બસોમાં ભરીને છત્તીસગઢ માટે રવાના થયા છે.

આ વિધાનસભ્યોમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાના વિધાનસભ્યો સામેલ છે. આ વિધાનસભ્યોને ભાજપના ગેરકાયદે શિકારથી બચાવવા માટે પશ્ચિમ બંગાળ, બિહાર કેર છત્તીસગઢના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે, એમ કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું.હેમંત સોરેનને વિધાનસભામાંથી ગેરલાયક ઘોષિત કરવામાં આવે એવી શક્યતા છે. સામે પક્ષે ભાજપે મધ્યાવર્તી ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે.

રાજ્યપાલ રમેશ બૈસ સોરેનની ગેરલાયકની ભલામણ ચૂંટણી પંચને આજે મોકલે એવી શક્યતા છે. પંચે એક બંધ કવરમાં રાજ્યપાલને સોરેન વિશે અંતિમ નિર્ણય મોકલ્યો હતો, જે આજે સ્પષ્ટ થશે.

રાજ્યમાં રાજકીય ઘમસાણની વચ્ચે હેમંત સોરેને ટ્વીટ કર્યું હતું કે આ આદિવાસીનો પુત્ર છે, આમની ચાલથી અમારો રસ્તો રોકાશે નહીં. અમારા આદિવાસીઓના DNAમાં ડર અને ભય માટે કોઈ જગ્યા નથી. કોંગ્રેસે રાજ્યમાં ભાજપ પર હુમલો કર્યો હતો અને રાજ્યમાં ગંદું રાજકારણ રમવાનો આરોપ મૂક્યો હતો.  કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બંધુ તિર્કીએ કહ્યું હતું કે ઝારખંડનું રાજકારણ અલગ છે… ભાજપ અહીં રાજકારણને દૂષિત કરવાની કોશિશ કરી રહ્યો છે.