યૂનેસ્કોના હેરિટેજ ટેગ માટે ગરબાને નામાંકન મળ્યું

અમદાવાદઃ ગુજરાત સહિત ભારતભરમાં તેમજ ભારતની બહાર વસતા ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાતી સમાજના વિશ્વ પ્રસિદ્ધ, પરંપરાગત ‘ગરબા’ નૃત્યને સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાની પેટા-સંસ્થા યૂનેસ્કોનું ‘અમૂર્ત હેરિટેજ ટેગ’ મળે એ માટે નામાંકિત કરવામાં આવ્યું છે. યૂનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ (હેરિટેજ) યાદીમાં ગરબાને પણ સામેલ કરવામાં આવે એવી ભારત સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે.

(તસવીર સૌજન્યઃ https://commons.wikimedia.org/wiki/File:Navratri_Garba.jpg)

યૂનેસ્કોના ઇન્ટૅન્જિબલ કલ્ચરલ હેરિટેજ વિભાગના સેક્રેટરી ટીમ કર્ટિસે આ જાણકારી આપી છે. યૂનેસ્કો દ્વારા કોલકાતાના ‘દુર્ગા પૂજા મહોત્સવ’ને ગયા ડિસેમ્બરમાં જ અમૂર્ત હેરિટેજ ટેગ આપવામાં આવ્યું હતું. હવે ગરબા નામાંકન અંગે આ વર્ષના અંત ભાગમાં નિર્ધારિત સમિતિના સત્ર દરમિયાન વિચારણા કરવામાં આવશે. ટીમ કર્ટિસે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સરાહના કરી છે અને કહ્યું છે કે આ સાંસ્કૃતિક વૈવિધ્યતાથી સભર છે.

તસવીર સૌજન્યઃ https://pxhere.com/

યૂનેસ્કોની ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ યાદીમાં 14 ભારતની પ્રાચીન વિદ્યા, કળા, અંશ (તત્ત્વ, ઘટક)નો સમાવેશ કરાયો છે, જેમ કે રામલીલા, વેદિક મંતોચ્ચાર, કુંભ મેળો વગેરે.