મુંબઈઃ પડોશના ગુજરાત રાજ્યમાં 182-બેઠકોની વિધાનસભાની ચૂંટણી માટે આવતી 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે અને ત્યારબાદ 8 ડિસેમ્બરે મતગણતરી થશે અને પરિણામ જાહેર કરાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર તથા ગુજરાતના સીમા વિસ્તારોમાં મહારાષ્ટ્ર પોલીસે નાકાબંધી શરૂ કરી છે.
સુરક્ષા અને સાવચેતીના કારણોસર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં જતા પ્રત્યેક વાહનની ચકાસણી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે. મહારાષ્ટ્ર પોલીસે પણ સીમાંત વિસ્તારોમાં ‘ઓપરેશન ઓલઆઉટ’ શરૂ કર્યું છે. તમામ વાહનોની તલાશી લેવામાં આવી રહી છે. ગુજરાતના આ જિલ્લા મહારાષ્ટ્ર સાથે સીમા ધરાવે છેઃ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ. જ્યારે મહારાષ્ટ્રના ચાર જિલ્લા ગુજરાત સાથે સરહદ બનાવે છેઃ નંદુરબાર, નાશિક, પાલઘર અને ધૂળે.