અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ પવિત્ર યાત્રાધામમાં આવીને શ્રી રામલલા વિરાજમાનના દર્શન કર્યા હતા. એમણે આ ઐતિહાસિક રામજન્મભૂમિ સ્થળે ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા હતા.
સોનેરી રંગના કુર્તા અને સફેદ રંગની ધોતીમાં સજ્જ થયેલા મોદી આજે અયોધ્યા આવી પહોંચ્યા હતા. એ તસવીર વડા પ્રધાનના કાર્યાલયે સોશિયલ મિડિયા પર શેર કરી હતી. હિન્દુ ધાર્મિક પ્રસંગે આવો પહેરવેશ પરંપરાગત મનાય છે.
એમણે પગમાં કાળા રંગના શૂઝ પહેર્યા હતા.
રામ જન્મભૂમિ સ્થળની મુલાકાત લેનાર મોદી દેશના પહેલા જ વડા પ્રધાન બન્યા છે.
અયોધ્યા આવી પહોંચ્યા બાદ મોદી સૌથી પહેલા હનુમાનગઢી મંદિરમાં ગયા હતા અને બજરંગબલીના દર્શન કર્યા હતા. આ મંદિરની મુલાકાત લેનાર મોદી પ્રથમ વડા પ્રધાન છે. 10મી સદીના જૂના આ મંદિરમાં મોદીને મુખ્ય પૂજારીએ ચાંદીનો મુગટ ભેટ આપ્યો હતો.
ત્યાંથી રામજન્મભૂમિ સ્થળે રવાના થતા પહેલાં મોદીએ હનુમાનગઢી મંદિરમાં એક પારિજાત ફૂલના છોડનું રોપણ પણ કર્યું હતું. એમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સંત નૃત્યગોપાલ દાસ પણ હતા.