કાળીમાતાનું અપમાનઃ મોદીએ બેનરજીને ઈશારામાં આપી સલાહ

નવી દિલ્હીઃ કાળીમાતાનાં કરવામાં આવેલા અપમાનના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર નિવેદન કર્યું છે. સ્વામી આત્મસ્થાનાનંદની જન્મજયંતી નિમિત્તે વડા પ્રધાન મોદીએ સંકેતમાં પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમુલ કોંગ્રેસને કટાક્ષ કર્યો છે. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આખું જગત અને બધું જ માં કાલીની ચેતનાથી વ્યાપ્ત છે. આ જ ચેતના બંગાળમાં કાળી માતાની પૂજામાં જોવા મળે છે. આ જ ચેતના બંગાળ અને સમગ્ર ભારતની આસ્થામાં જોવા મળે છે. આ જ ચેતનાની અનુભૂતિ સ્વામી રામકૃષ્ણ પરમહંસે કરી હતી.

ઉલ્લેખનીય છે કે કાળી માતા અંગે તૃણમુલ કોંગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એમણે માં કાલીને માંસ ખાનાર અને શરાબ પીનાર દેવી કહ્યાં હતાં. જોકે તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ મોઈત્રાનાં નિવેદનથી અંતર કરી લીધું છે, ટ્વિટર હેન્ડલ પર મોઈત્રાને અનફોલો કરી દીધાં છે અને કહ્યું છે કે એ નિવેદન મોઈત્રાનો અંગત અભિપ્રાય છે, પાર્ટીનો નથી. જોકે પાર્ટીએ હજી સુધી મોઈત્રાને સસ્પેન્ડ કર્યાં નથી. મોઈત્રાનાં નિવેદન સામે ભાજપ તથા અન્ય હિન્દુ સંગઠનોએ આકરી ટીકા કરી છે.