PM મોદીએ દેશવાસીઓને નામે લખ્યો પત્ર

નવી દિલ્હીઃ  લોકસભા ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે  મારા 140 કરોડ પરિવારના સભ્યો સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થનનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. તેમણે કહ્યું હતું કે 10 વર્ષોમાં અમારી સૌથી મોટી સફળતા સૌથી મોટી પૂંજી છે.

તેમણે લખ્યું હતું કે મારા પ્રિય પરિવારના સભ્યો, તમારું અને અમારું જોડાણ હવે એક દાયકા પૂર્ણ કરવા જઈ રહ્યું છે. મારા પરિવારના સભ્યોના જીવનમાં છેલ્લાં 10 વર્ષ જે સકારાત્મક પરિવર્તન આવ્યું છે તે અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ અને સૌથી મોટી સંપત્તિ છે. જીવનધોરણ સુધારવા અને દરેક નીતિ અને દરેક નિર્ણય દ્વારા ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને સશક્ત બનાવવા માટે નિર્ધારિત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રમાણિક પ્રયાસોના અર્થપૂર્ણ પરિણામો અમારી સામે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાકું ઘર, બધા માટે વીજળી, પાણી અને ગેસની યોગ્ય વ્યવસ્થા, આયુષ્માન ભારત યોજના દ્વારા સારવારની વ્યવસ્થા, ખેડૂત ભાઈઓ અને બહેનોને આર્થિક મદદ, માતૃ વંદના યોજના દ્વારા માતાઓને મદદ જેવા ઘણા પ્રયાસો માત્ર એટલા માટે સફળ થયા, કારણ કે તમારો વિશ્વાસ મારી સાથે હતો.

 

ભારત, વિકાસ અને વિરાસત સાથે આગળ વધી રહ્યું છે, છેલ્લા એક દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અભૂતપૂર્વ નિર્માણ જોવા મળ્યું છે, ત્યારે અમને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય વારસાના પુનરુત્થાનનું સાક્ષી બનવાનું સન્માન પણ મળ્યું છે. આજે દરેક દેશવાસીઓ દેશ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને જાળવીને આગળ વધી રહ્યો છે તેના પર ગર્વ છે. તેમણે લખ્યું, તમારા વિશ્વાસ અને સમર્થનને કારણે જ GSTનો અમલ, કલમ 370 નાબૂદ, ટ્રિપલ તલાક પર નવો કાયદો, સંસદમાં મહિલાઓ માટે નારી શક્તિ બંધન કાયદો, નવા સંસદ ભવનનું નિર્માણ, આતંકવાદ અને નક્સલવાદ પર કઠોર  પ્રહાર જેવા ઘણા ઐતિહાસિક અને મોટા નિર્ણયો લેવામાં પાછા પડ્યા નથી.

લોકશાહીની સુંદરતા જનભાગીદારી અને જન સહકારમાં રહેલી છે. મને દેશના કલ્યાણ માટે મોટા નિર્ણયો લેવા, મોટી યોજનાઓ બનાવવા અને તેનો સરળ અમલ કરવાની શક્તિ અને ઊર્જા તમારા વિશ્વાસ અને સમર્થનથી જ મળે છે. વિકસિત ભારતના નિર્માણ માટે દેશ જે સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, તેને પૂર્ણ કરવા માટે મને તમારા વિચારો, સૂચનો, સમર્થન અને સહકારની જરૂર છે. મને વિશ્વાસ છે કે અમને તમારા આશીર્વાદ અને સમર્થન મળતું રહેશે. રાષ્ટ્ર નિર્માણ માટેના અમારા પ્રયત્નો થાક્યા વિના અને અટક્યા વિના ચાલુ રહેશે, આ મોદીની ગેરંટી છે, એમ તેમણે લખ્યું હતું.