PM મોદી અયોધ્યામાં રોડ-શો સાથે કાર્યક્રમનો પ્રારંભ કરશે

અયોધ્યાઃ ભગવાન રામની નગરી અયોધ્યામાં પ્રાણ—પ્રતિષ્ઠાથી પહેલાં નવા એરપોર્ટ અને રેલવે સ્ટેશન સહિત અનેક નવી ટ્રેનોનું ઉદઘાટન કરવા માટે વડા પ્રધાન મોદી શનિવારે પહોંચી ગયા છે. તેઓ અયોધ્યામાં રોડ-શોથી કાર્યક્રમનો પ્રારંભ કરશે. તેમનું UPના CM યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબહેન પટેલે સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન અનેક ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. એમાં નવી અમૃત ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેન પણ સામેલ છે.

વડા પ્રધાન મોદી ઉત્તર પ્રદેશ માટે રૂ. 15,700 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરવા માટે રામ મંદિર નગરમાં હશે. તેમાં અયોધ્યા માટે રૂ. 11,100 કરોડના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. વડા પ્રધાન નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નવી ગ્રીનફિલ્ડ ટાઉનશિપ, એક રેલવે સ્ટેશન અને ચાર રૂટનું અનાવરણ કરશે.

વડા પ્રધાન મોદી પુનઃવિકાસિત અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે અને ત્યાર બાદ તેઓ બે નવી અમૃત ભારત ટ્રેન અને છ નવી વંદે ભારત ટ્રેનોને ફ્લેગ ઓફ કરશે. તેઓ બપોરે નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરશે, જેનું નામ મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે.. વડા પ્રધાન એક જાહેર સભાને સંબોધિત કરશે અને પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. મંદિરમાં પ્રવેશ વધારવા માટે, મોદી ચાર નવા પુનર્વિકાસિત રસ્તાઓ – રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રીરામ જન્મભૂમિ પથનું ઉદઘાટન કરશે.