NSEએ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રોડક્ટસ અંગે રોકાણકારોને સાવધ કર્યા

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને CEO આશિષકુમાર ચૌહાણે રોકાણકારોને અતિ જોખમી ડેરિવેટિવ્ઝ અથવા સ્ટોક માર્કેટમાં વારંવાર ટ્રેડિંગ કરવામાં રહેલા જોખમ સામે સાવધ રહેવાનો અનુરોધ કર્યો હતો.

ભારતની વિકાસ યાત્રામાં એક પ્રતિબદ્ધ યાત્રી બની રહો અને ઉજ્જવળ ભવિષ્ય ભણી આગળ વધો. ભૂતકાળના અનુભવો આપણને દર્શાવે છે કે લાંબા ગાળાના મૂડીરોકાણ પર સારું વળતર પ્રાપ્ત થાય છે, એમ NSEના વડાએ કહ્યું હતું અને સાથે-સાથે ઉમેર્યું હતું કે NSE રોકાણકારોને શાણપણ અને જવાબદારીપૂર્વક રોકાણ કરવા માટેનું ઉત્તેજન પૂરું પાડે છે.

માત્ર રજિસ્ટર્ડ ઈન્ટરમિડિયરીઝ મારફત જ કામકાજ કરો અને નિયમ મુજબનાં ન હોય એવી પ્રોડક્ટ્સમાં કદી રોકાણ ન કરો. શેરબજારમાં રોકાણ કરવાનો હેતુ લાંબા ગાળા માટે રોકાણ કરી સંપત્તિ સર્જવાનો છે, એમ તેમણે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે એક ખરાબ અનુભવ પણ રોકાણકારને શેરબજારથી દૂર કરી દે છે. આથી જો તમે શેરબજાર વિશે કશું જાણતા ન હો તો સાવધ રહો અને નિષ્ણાતની સલાહ અનુસાર રોકાણ કરો.