નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોનાવાઈરસ રોગચાળાનું બીજું મોજું ઉગ્ર સ્વરૂપે ફરી વળ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાતે દેશવ્યાપી સંબોધન કર્યું હતું અને ફરી લોકડાઉનની શક્યતાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ગંભીર છે તે છતાં આપણે દેશને ફરી લોકડાઉનથી બચાવવાનો છે. મારી રાજ્ય સરકારોને અપીલ છે કે તેઓ લોકડાઉનનો અંતિમ વિકલ્પ તરીકે જ ઉપયોગ કરે. એને બદલે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે. આપણે મર્યાદાનું પાલન કરવાનું છે. કોરોનાથી બચાવના તમામ ઉપાયોનું પાલન સો ટકા કરવાનું છે. એકદમ જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવાનું છે.
મોદીએ વધુમાં કહ્યું કે, આ સંકટની ઘડીમાં પ્રશાસનોએ લોકોને સતર્ક અને જાગ્રત કરવાના પ્રયાસોને વધારવાની જરૂર છે, જેથી ડરનો માહોલ નિયંત્રણમાં રહે. કોરોનાની બીજી લહેર વાવાઝોડું બનીને ભારત પર આવી પડી છે, પરંતુ આપણે જનભાગીદારીની તાકાતથી કોરોનારૂપી આ વાવાઝોડાને પરાસ્ત કરી શકીશું એવો મને વિશ્વાસ છે.
વડા પ્રધાને વધુમાં કહ્યું કે, દુનિયામાં સૌથી વધુ ઝડપે ભારતમાં કોરોના-વિરોધી રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ છે. 1-મેથી તો દેશમાં 18-વર્ષથી ઉપરની વયના તમામ લોકોને પણ સરકાર તરફથી મફતમાં રસી આપવાનું કામ શરૂ કરવામાં આવશે. મારી રાજ્ય પ્રશાસનોને વિનંતી છે કે તેઓ શ્રમિકોને પણ રસી મળે એવી વ્યવસ્થા કરે અને એમને રસી આપે. એમને વિશ્વાસ અપાવે કે તેઓ હિજરત ન કરે અને જ્યાં છે ત્યાં જ રહે. એમને રસી પણ આપવામાં આવશે અને રોજગાર પણ આપવામાં આવશે.
દેશમાં કોરોના કેસ વધી જતાં દેશના ફાર્મા સેક્ટરે દવાઓનું ઉત્પાદન અનેક ગણું વધારી દીધું છે. આપણા દેશ પાસે મજબૂત ફાર્મા સેક્ટર છે, જે ખૂબ સારી અને ઝડપથી દવાઓ બનાવે છે. ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ આપણે ધૈર્ય ગુમાવવાનો નથી. તો જ આપણે વિજય હાંસલ કરી શકીશું. એ જ મંત્રને સામે રાખીને દેશ દિવસ-રાત કામ કરે છે. પડકાર મોટો છે, આપણે સાથે મળીને આને પાર કરવાનો છે.
દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાની બીજી અને પહેલી કરતાં વધારે ઘાતક એવી લહેરમાં વડા પ્રધાન મોદીનું આ પહેલું રાષ્ટ્રવ્યાપી સંબોધન હતું.