ગાંધીનગર: વિધાનસભાના નેવા સેવા કેન્દ્ર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં નવનિયુક્ત કેબિનેટ અને રાજ્યકક્ષા મંત્રીઓને ‘નેવા’ એપ્લિકેશનની તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, “ગુજરાત હરહંમેશ ટેક્નોલોજીનો સફળતા પૂર્વક ઉપયોગ કરતું રહ્યું છે. ગુજરાત વિધાનસભાનું તમામ કામકાજ ઓનલાઈન કરવામાં આવ્યું છે. જેથી આપ સૌ નવનિયુક્ત મંત્રીઓ આ એપ્લિકેશનનો ઉપયોગ વિશે વધુ માહિતગાર બનો અને વિધાનસભાની કામગીરી વધુ સરળ બનાવી શકો તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.”
આગામી ૧૫મી વિધાનસભાના આઠમા સત્રમાં નવનિયુક્ત મંત્રીઓ નેવા એપ્લિકેશનના માધ્યમથી પોતાની કામગીરીના જવાબો પેપરલેસ આપી શકે તે અંગેની સુદ્રઢ વ્યવસ્થા આ એપ્લિકેશન મારફતે ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે નવનિયુક્ત મંત્રીઓને શક્ય એટલા ઓછા શબ્દોમાં પોતાના પ્રશ્નોનો જવાબ આપવા સુચન કર્યું હતું. આ તાલીમ દરમિયાન નવનિયુક્ત મંત્રીઓએ નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન થકી થનાર અલગ-અલગ કામગીરીની બારીકાઇથી માહિતી મેળવી હતી. આ ઉપરાંત એપ્લિકેશન મારફતે વિધાનસભા કાર્યવાહી સંલગ્ન એલ.એ.ક્યુ સહિતની વિવિધ પ્રક્રિયા કેવી રીતે કરવી તેની સવિસ્તૃત માહિતી મેળવી હતી.




