અમદાવાદ: ઉનાળાની ઋતુએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 42 ડીગ્રી તાપમાનથી શહેરો સેકાઇ રહ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ, સરકારની ચેતવણીઓ પછી લોકો બને ત્યાં સુધી ઘરમાંથી નીકળાનું ટાળે છે. એવા સમયે જરૂરી કામે શહેરના માર્ગો પર બહાર નીકળેલા રાહદારીઓ અને વાહનચાલકોને થોડી ઠંડકનો અહેસાસ થાય એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. મોટી ટ્રકની ટાંકીમાં પાણી ભરી વોટર સ્પ્રિંક્લર દ્વારા માર્ગો પર સ્પ્રે કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં આ આધુનિક ટ્રક ટેન્કરમાં ફિટ કરેલા સ્પ્રિંક્લર દ્રારા સતત છંટકાવ થઇ રહ્યો છે. આ સાથે માર્ગ પર જેટલા વૃક્ષ આવે એને બચાવવા તેમજ એમાં રહેલાં પક્ષીઓને ગરમીથી રાહત મળે એ માટે ખાસ કાળજી સાથે પાણીના આ ફૂવારાનો છંટકાવ થઇ રહ્યો છે. AMCની આ સિસ્ટમથી ટ્રાફિક સિગ્નલો અને બસ સ્ટોપ પર ઠંડક પ્રસરે એવી રીતે સતત પાણીનો છંટકાવ થઇ રહ્યો છે.
વોટર સ્પ્રિંક્લર અને વોટર સ્પ્રેઇંગ દ્વારા માર્ગો પર પાણીના છંટકાવનો હેતુ નાગરિકોને ગરમીથી તાત્કાલિક રાહત આપવાનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પ્રયોગથી માણસોની સાથે વૃક્ષો અને પશુ પક્ષીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)




