ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વર્ષ 2026-27ની સીઝન માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળશે અને તેમની આવકમાં સીધો વધારો થશે.
કુલ 14 પાકોના ભાવમાં વધારો
કેન્દ્ર સરકાર દ્વારા કુલ 14 જેટલા મહત્વના ખરીફ પાકોની MSP માં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો મુખ્યત્વે ખેડૂતોના ખર્ચ અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી ખેતી ક્ષેત્રે રોકાણ વધશે અને ખેડૂતો વધુ ઉત્સાહ સાથે વાવણી કાર્યમાં જોડાશે.
કયા પાકમાં કેટલો થયો વધારો?
નવા જાહેર કરાયેલા ટેકાના ભાવમાં તેલીબિયાં અને રોકડિયા પાકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે:
સૂર્યમુખી: સૂર્યમુખીના બીજમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. સરકારે મણદીઠ (20 કિલો) ભાવમાં 124 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે.
કપાસ: ગુજરાતના મુખ્ય રોકડિયા પાક એવા કપાસની MSP માં મણદીઠ 111 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે કપાસ પકવતા ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ લાવશે.
મગફળી: સૌરાષ્ટ્ર અને ગુજરાતની શાન ગણાતી મગફળીના ટેકાના ભાવમાં પણ મણદીઠ 50 રૂપિયાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
આ નિર્ણય દ્વારા કેન્દ્ર સરકારે ખેડૂતોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ગુજરાતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીના ભાવ વધતા રાજ્યના લાખો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે. આગામી દિવસોમાં આ અંગેના સત્તાવાર પરિપત્રો પણ જાહેર કરવામાં આવશે.



