નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)માં આ મહિનાના અંતે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. બેંક કર્મચારીઓના યુનિયને 25 અને 26 મે, 2026S દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે 24 મે રવિવાર અને 23 મે ચોથો શનિવાર હોવાથી સતત ચાર દિવસ સુધી ઘણી શાખાઓમાં કામકાજ ઠપ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી ગ્રાહકોને બેંક સંબંધિત જરૂરી કામો પહેલેથી પૂર્ણ કરી લેવા સલાહ આપવામાં આવી છે.
હડતાળ કેમ થઈ રહી છે?
આ હડતાળ ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા આપવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે છેલ્લાં બે વર્ષથી કર્મચારીઓની અનેક સમસ્યાઓ અંગે બેંક મેનેજમેન્ટ સાથે સતત ચર્ચા થઈ રહી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. તેથી કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
શું છે મુખ્ય માગણીઓ?
- યુનિયને કુલ 16 માગણીઓ રજૂ કરી છે. તેમાં સૌથી મોટી સમસ્યા સ્ટાફની અછત હોવાનું જણાવાયું છે. કર્મચારીઓનું કહેવું છે કે બેંક શાખાઓમાં કામનો બોજ સતત વધી રહ્યો છે, પરંતુ ભરતી ઓછી થઈ રહી છે.
- સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. યુનિયનનું કહેવું છે કે ઘણી જગ્યાએ સશસ્ત્ર ગાર્ડની અછત થઈ ગઈ છે, કારણ કે નિવૃત્તિ અને પ્રમોશન પછી નવી નિમણૂક કરવામાં આવતી નથી.
- હડતાળનો એક મોટો મુદ્દો આઉટસોર્સિંગ પણ છે. યુનિયનનો આરોપ છે કે બેંક કાયમી કામ માટે કોન્ટ્રેક્ટ આધારિત કર્મચારીઓનો ઉપયોગ કરી રહી છે, જ્યારે આ જૂના કરારોના વિરુદ્ધ છે. એ સાથે જ આવા કર્મચારીઓને ઓછું વેતન આપવામાં આવતું હોવાની પણ ફરિયાદ છે.
- વેતન અને પેન્શન મુદ્દે પણ કર્મચારીઓમાં નારાજગી છે. યુનિયનનું કહેવું છે કે અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓના વેતન વધારો વચ્ચે મોટો તફાવત છે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) સંબંધિત અનેક મુદ્દાઓ પર પણ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

સેવાઓ કેટલી અસરગ્રસ્ત થશે?
જો હડતાળ થશે તો બેંક શાખાઓમાં રોકડ જમા-ઉપાડ, ચેક ક્લિયરિંગ અને પાસબુક અપડેટ જેવી સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. જોકે ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ATM સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે, પરંતુ શાખાઓમાં ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.




