કોલકાતાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી થયેલા નુકસાનની સ્થિતિની આજે સમીક્ષા કરી હતી. વડા પ્રધાને વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું આજે એરફોર્સના હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને રાજ્યપાલ જગદીપ ધનકડ પણ હાજર હતાં. ત્યાર બાદ વડા પ્રધાન મોદી, મમતા બેનરજીની સાથે બશીરહાટ પહોંચ્યા હતા, જ્યાં સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠક પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ માટે રૂ. 1000 કરોડના પેકેજનું એલાન કર્યું હતું. આ સાથે આ વાવાઝોડામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ. બે લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50,000ના વળતરની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દુઃખના આ સમયમાં કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળની પડખે છે.
લોકોને દરેક સંભવિત મદદ કરાશે
વડા પ્રધાને કહ્યું હતું કે એક વર્ષ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું. એ સમયે સૌથી મોટું નુકસાન ઓડિશાને થયું હતું. એક વર્ષે ફરીથી સાઇક્લોન આવ્યું છે, જેણે પૂર્વના વિસ્તારોને પ્રભાવિત કર્યા છે. સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ પર પડી છે. જે લોકોએ આ વાવાઝોડામાં જીવ ગુમાવ્યા છે, તેમના પરિવાર સાથે મારી સંવેદના છે. લોકોને દરેક સંભવિત મદદ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય મળીને કામ કરી રહ્યાં છે. ગવર્નર અને CMની સાથે એક હવાઈ સર્વેક્ષણ કર્યું, તેમણે વર્તમાન સ્થિતિ અંગે મને માહિતી આપી હતી.
પ્રતિકૂળ સમયમાં પશ્ચિમ બંગાળની સાથે કેન્દ્ર
તેમણે કહ્યું હતું કે પુનર્વાસ,પુનર્નિર્માણથી સંબંધિત બધા પાસાં પર ધ્યાન આપવામાં આવશે. અમે ઇચ્છીએ છીએ કે પશ્ચિમ બંગાળ આગળ વધે. આ પરીક્ષાના સમયે કેન્દ્ર હંમેશાં પશ્ચિમ બંગાળની સાથે છે. અમે પ્રતિકૂળ સમયે પશ્ચિમ બંગાળની સાથે છીએ.
વડા પ્રધાને અમ્ફાન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં ચક્રવાતી વાવાઝોડા અમ્ફાનથી પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા મુલાકાત લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના સંકટને લઈને દેશવ્યાપી લોકડાઉન લાગુ થયા પછી પહેલી વાર દિલ્હીથી બહાર ગયા હતા. વડા પ્રધાને છેલ્લે 83 દિવસ પહેલાં 29 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને ચિત્રકૂટને મુલાકાત લીધી હતી.
57 દિવસ પછી દિલ્હીની બહાર
દેશમાં લોકડાઉનને 57 દિવસ થઈ ગયા છે. આ દરમ્યાન વડા પ્રધાન દિલ્હીમાં જ રહી રહ્યા હતા. આ 57 દિવસોમાં તેમણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય બેઠકોમાં ભીગ લીધો હતો. તેઓ હવે 57 દિવસ પછી દિલ્હીની બહાર ગયા હતા.
પશ્ચિમ બંગાળ ભાજપનાં સૂત્રોએ જણાવ્યા મુજબ વડા પ્રધાન મોદી સવારે 10.30 કલાકે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ હેલિકોપ્ટરથી ચક્રવાત પ્રભાવિત વિસ્તારોની હવાઇ મુલાકાત કરી હતી.
વડા પ્રધાને ટ્વીટ કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ચક્રવાતી તોફાન અમ્ફાને કેવી રીતે વિનાશ વેર્યો છે, એના ફોટાઓ મેં જોયા છે. આ મુશ્કેલીના સમયમાં દેશ પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સાથે ઊભો છે. રાજ્યના લોકો માટે હું પ્રાર્થના કરું છું અને રાજ્યમાં બધું ફરી નોર્મલ કરવાનું હું આશ્વાસન આપું છે.
વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે નુકસાન પહોંચાડ્યું
પશ્ચિમ બંગાળમાં સો વર્ષના અંતરાલમાં આવેલા ભીષણ ચક્રવાતી તોફાન અમ્ફાને 72 લોકોના જીવ લીધા છે. અમ્ફાને કાચાં મકાનોને ભારે નુકસાન પહોંચાડવા સાથે ખેતરોમાં પાકને પણ નષ્ટ કરી દીધો છે. ઝાડ, વીજ થાંભલા ઊખડી ગયા છે. અમ્ફાને ઓડિશામાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. રાજ્યના તટીય જિલ્લાઓમાં વીજ અને ટેલિકોમથી જોડાયેલા માળખાને ભારે ક્ષતિ પહોંચી છે. રાજ્યના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ચક્રવાતમાં આશરે 44.8 લોકો અસરગ્રસ્ત થયા છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે અમ્ફાને બે જિલ્લા ઉત્તર અને દક્ષિણ 24 પરગણામાં સંપૂર્ણ રીતે ખાનાખરાબી થઈ છે. તેમણે કેન્દ્ર પાસે મદદ પણ માગી હતી.