કોરોનાના નવા સૌથી વધુ 6088 કેસ અને 148 લોકોનાં મોત

નવી દિલ્હીઃ વિશ્વભરના દેશોની સાથે દેશમાં પણ કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અહેવાલો મુજબ 180થી વધુ દેશોમાં આ વાઇરસ પ્રસરી ચૂક્યો છે અને અત્યાર સુધી સવા ત્રણ લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં 50 લાખથી વધુ લોકો આ વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં આ વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 1,18,447 થઈ છે. પાછલા 24 કલાકમાં 6088 નવા કેસ સામે આવ્યા છે અને 148 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી 3583 લોકોનાં મોત થયાં છે. જોકે અત્યાર સુધી 48,534 દર્દીઓ આ બીમારીને માત આપી ચૂક્યા છે. રિકવરી રેટ સતત સુધરી રહ્યો છે. એ 40.97 ટકાએ પહોંચ્યો છે. દેશમાં કેટલાંક રાજ્યો એવા પણ છે, જે આ રોગચાળામાંથી મુક્ત પણ થઈ ચૂક્યા છે.  

બે સપ્તાહમા 56,000 કેસ મળ્યા

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આઠ મે પછી બે સપ્તાહમાં કોરાના વાઇરસના અડધોઅડધ કેસો આશરે 56,000 દર્દીઓ સામે આવ્યા છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે.  આઠ મેએ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 56,342 હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.