મુંબઈઃ મહારાષ્ટ્રમાં સુપરમાર્કેટ્સ, જનરલ સ્ટોર્સ/કરિયાણાની દુકાનોમાં વાઈન વેચવાની રાજ્ય સરકારે આપેલી પરવાનગીને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. આ માટેની પીટિશન સંદીપ કુસાળકર નામના એક સામાજિક કાર્યકર્તાએ નોંધાવી છે. એમણે પીટિશનમાં કહ્યું છે કે રાજ્ય સરકારનો આ નિર્ણય લોકોમાં આલ્કોહોલના વપરાશનો મોહ દૂર કરવાના ઉદ્દેશ્યની વિરુદ્ધનો છે. તેમજ વ્યક્તિને કોઈ પણ પ્રકારના નિરીક્ષણ વગર પોતાની જાતે જ આલ્કોહોલ ખરીદવાના ઉદ્દેશ્યની પણ વિરુદ્ધમાં છે. અરજદારે વધુમાં કહ્યું છે કે પોતે સગીર વયનાં લોકો, યુવાઓ અને વંચિત વર્ગનાં અનાથ બાળકો સાથે નિકટ સંપર્ક ધરાવે છે. આવાં બાળકો આલ્કોહોલ અને કેફી પદાર્થોના વ્યસન તેમજ જુગાર જેવા સામાજિક દૂષણોનો ભોગ બનતા હોય છે.
મહારાષ્ટ્ર સરકારે ગઈ 27 જાન્યુઆરીએ નિર્ણય લઈને રાજ્યમાં સુપરમાર્કેટ્સ અને જનરલ સ્ટોર્સમાં વાઈન વેચવાની પરવાનગી આપી હતી. સરકારના તે નિર્ણય સામે કુસાલકરે મુંબઈ હાઈકોર્ટમાં જનહિતની અરજી (PIL) નોંધાવી છે. અરજદાર એમની અરજી પર કોર્ટ આવતા અઠવાડિયે તાકીદે સુનાવણી કરે એવી વિનંતી પણ કરે એવી ધારણા છે.