કોંગ્રેસ ભાડાંનાં દેવાંમાં ડૂબી:  સોનિયા ગાંધીએ ઘર-ભાડું નથી ભર્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસે નવી દિલ્હી સ્થિત કેટલીય સરકારી સંપત્તિઓ પર વર્ષોથી કબજો કરી રાખ્યો છે, પણ વર્ષોથી પાર્ટી ભાડાં નથી ભરી રહી. આવી સંપત્તિઓમાં દિલ્હી સ્થિત પાર્ટીની મુખ્ય ઓફિસ અને કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીનું સત્તાવાર નિવાસસ્થાન પણ સામેલ છે, એમ અહેવાલ કહે છે. RTI એક્ટિવિસ્ટ સુજિત પટેલની RTIના જવાબમાં આ ખુલાસો થયો છે કે કોંગ્રેસ પાર્ટી દિલ્હીની કેટલીક મહત્ત્વની સરકારી સંપત્તિઓનાં ભાડાં નથી ચૂકવી રહી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળની અરજીમાં કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયને આપવામાં આવી હતી, જેના જવાબમાં આટલો મોટો ખુલાસો થયો છે.

હાલ RTIના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે અકબર રોડ પરની કોંગ્રેસની મુખ્ય ઓફિસનું રૂ. 12,69,902નું ભાડું ચૂકવવાનું બાકી છે. આ ઓફિસનું ભાડું છેલ્લે ડિસેમ્બર, 2012માં કરવામાં આવ્યું હતું. આ જ રીતે સોનિયા ગાંધીના 10 જનપથ રોડ સ્થિત નિવાસસ્થાનનું રૂ. 4610નું ભાડું બાકી છે. જે છેલ્લે સપ્ટેમ્બર, 2020માં જમા કરવામાં આવ્યું હતું.

સોનિયા ગાંધીના ખાનગી સચિવ વિન્સેટ જ્યોર્જે તેમના ચાણક્યપુરી સ્થિત બંગલા C-II/109નું ભાડું ઓગસ્ટ, 2013 પછી નથી ચૂકવ્યું. તેમની પાસે સરકારનાં ભાડા પેટે રૂ. 5,07,911 બાકી લેણાં છે. જોકે જુલાઈ, 2020માં સોનિયા ગાંધીની પુત્રી અને પાર્ટીના મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડરા પાસે લોધી રોડવાળો બંગલો સરકારે ખાલી કરાવી લીધો હતો.

સોનિયા ગાંધી પર નિશાન સાધતાં ભાજપના તજીન્દર પાલ સિંહ બગ્ગાએ આરોપ લગાવ્યો હતો કે તેઓ ભાડાં નથી આપી રહ્યાં, કેમ કે તેઓ કૌભાંડ નથી કરી શકતાં. તેમણે આ મામલે ટ્વીટ પણ કર્યું હતું.