સુપ્રીમની ફટકાર: ટેલિ કંપનીઓને તત્કાળ રૂ. 1.47 લાખ કરોડ ચૂકવવાનો આદેશ

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને અન્ય ટેલિકોમ કંપનીઓને આજે મધ્યરાત્રિ સુધી તમામ બાકી લેણાં રૂ. 1.47 લાખ કરોડ ભરી દેવા આદેશ કર્યો છે. AGR  કેસમાં સુપ્રીમ કોર્ટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સને આકરી ફટકાર લગાવ્યા બાદ (DoTએ) ટેલિકોમ કંપનીઓને આ સંબંધમાં નોટિસ ઇસ્યુ કરી છે. ટેલિકોમ વિભાગે કંપનીઓને સર્કલને આધારે બાકી નીકળતાં લેણાં સંબંધે નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ વિભાગ અને ટેલિકોમ કંપનીઓના ઢીલા વલણ અંગે નારાજગી જાહેર કર્યા બાદ આ ટેલિકોમ વિભાગે આ પગલું ભર્યું છે. કોર્ટે આ મામલે સુનાવણી દરમ્યાન  ટેલિકોમ વિભાગ અને કંપનીઓને આડે હાથ લીધા હતા. કોર્ટે કહ્યું હતું કે દેશમાં કોઈ કાનૂન-વ્યવસ્થા છે કે નહીં?

એરટેલે રૂ. 10,000 કરોડ ભરવાની તૈયારી દર્શાવી

આ નોટિસના જવાબમાં એરટેલે રૂ. 10,000 કરોડ ભરવાની તૈયારી દર્શાવી હતી. જોકે એરટેલના બાકી નીકળતાં લેણાં આશરે રૂ. 35,000 કરોડ છે, જ્યારે વોડાફોન-આઇડિયાના રૂ. 53,000 કરોડ બાકી છે. કંપનીએ કહ્યું હતું કે એ 20 ફેબ્રુઆરી સુધી આ રકમ ભરી દેશે. આ સિવાય એરટેલે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી પહેલાં બાકી લેણાં ચૂકવવાની રજૂઆત કરી હતી.સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને 23 જાન્યુઆરી સુધીમાં રૂ. 1.47 લાખ કરોડની બાકી નીકળતી રકમ ભરવા કહ્યું હતું.  આ આદેશ પછી માનવામાં આવે છે કે કંપનીઓ પોતપોતાના બાકી લેણાં ભરી દેશે. જોકે ટેલિકોમ વિભાગના ડેસ્ક અધિકારીઓને કોર્ટે આગામી આદેશ સુધી રિકવરી નહીં કરવા જણાવ્યું હતું. આ સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે કોઈ પણ અધિકારી અમારા આદેશનું ઉલ્લંઘન કઈ રીતે કરી શકે? સુપ્રીમ કોર્ટે નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે જો એવું જ હોય તો સુપ્રીમ કોર્ટને જ બંધ કરી દેવી જોઈએ.

આ પહેલા સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની અરજી ફગાવી દીધી હતી, જેમાં બાકી લેણાને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. ટેલિકોમ કંપનીઓ પર લાઇસન્સ ફીના રૂપમાં રૂ. 92,642 કરોડ અને સ્પેક્ટ્રમ યુઝેસ ચાર્જ રૂપે રૂ. 55,054 કરોડનાં લેણાં બાકી છે.