ચિદમ્બરમે જેલમાં જ રહેવું પડશે; દિલ્હી હાઈકોર્ટે એમની જામીન અરજી ફગાવી

નવી દિલ્હી – કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અંગેના INX મિડિયા કેસમાં આરોપી તરીકે પકડાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં અને ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે જામીન માટે નોંધાવેલી અરજી આજે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં ચિદમ્બરમની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તે હાલ તિહાર જેલમાં છે.

ન્યાયમૂર્તિ સુરેશ કૈતે કોંગ્રેસના 74 વર્ષીય નેતા ચિદમ્બરમને જામીન પર છોડવાનો ઈનકાર કર્યો હતો.

જજે કહ્યું કે જામીન પર છૂટીને ચિદમ્બરમ પુરાવા સાથે ચેડાં કરે એવી કોઈ શક્યતા નથી, પરંતુ એ સાક્ષીઓને પોતાની તરફેણમાં પ્રભાવિત કરે એવી શક્યતાને નકારી શકાય નહીં.

સોલિસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે જામીન પર છૂટીને ચિદમ્બરમ સાક્ષીઓને લલચાવે અથવા ધમકાવે એવી પૂરી શક્યતા છે એટલે એમને જામીન પર છોડવા ન જોઈએ.

મહેતાએ એમ પણ કહ્યું કે ચિદમ્બરમને જો જામીન પર છોડવામાં આવશે તો એ દેશમાંથી ભાગી શકે છે, કારણ કે એમની પર ખૂબ ગંભીર પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સીબીઆઈ દ્વારા ગઈ 21 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી ત્યારથી ચિદમ્બરમ જેલમાં છે અને સીબીઆઈની કસ્ટડીમાં છે. એમણે જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કર્યો નહોતો, પણ સીધા હાઈકોર્ટમાં જ ગયા છે. એમણે હાઈકોર્ટમાં રેગ્યૂલર જામીન માટે અરજી નોંધાવી છે.

સીબીઆઈના અમલદારોએ ચિદમ્બરમને દિલ્હીમાં જોર બાગ વિસ્તારસ્થિત એમના નિવાસસ્થાનેથી પકડ્યા હતા અને 3 ઓક્ટોબર સુધી એ અદાલતી કસ્ટડીમાં છે.

સીબીઆઈએ 2017ની 15 મેએ એફઆઈઆર નોંધાવી હતી અને એવો આરોપ મૂક્યો હતો કે 2007માં જ્યારે ચિદમ્બરમ નાણાં પ્રધાન હતા ત્યારે આઈએનએક્સ મિડિયા ગ્રુપને વિદેશમાંથી રૂ. 305 કરોડનું ભંડોળ મેળવવા માટે FIPB મંજૂરી આપી હતી. એ મંજૂરી આપીને તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ગેરરીતિ આચરી હતી.

ત્યારબાદ 2017માં અન્ય કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ જ સંદર્ભમાં ચિદમ્બરમ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.