કેવી રહી રેપીડ એક્શન ફોર્સની 27મી વર્ષગાંઠની પરેડ?

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે અમદાવાદ ખાતે રેપીડ એક્શન ફોર્સની 27 મી વર્ષગાંઠ પરેડનું નિરીક્ષણ કર્યું. ગૃહ અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં કલમ 370 અને 35એ ના પ્રાવધાનો હટાવીને 35000 શહીદોને સન્માન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર સરકારના આ પગલાથી કાશ્મીરમાં નવા યુગની શરૂઆત થશે. મંત્રીશ્રીએ શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તેમના અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે 130 કરોડની વસતીવાળા વિવિધતાસભર દેશમાં આ દળોએ જાનની પરવા કર્યા વિના સુરક્ષા નિશ્ચિત કરી છે અને આજે દેશમાં છે વિકાસ અને શાંતિ છે તેનો શ્રેય તેમના બલિદાનને જ જાય છે. 

રેપીડ એકશન ફોર્સની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા ગૃહપ્રધાને  જણાવ્યું હતું કે 1992માં સ્થાપના થયા બાદ ખૂબ ઓછા સમયમાં દેશ અને દુનિયામાં વિશ્વસનીયતા કેળવવામાં આરએએફ સફળ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે હુલ્લડો વખતે આરએએફના પહોંચવાના સમાચારથી જ સ્થિતિ કાબૂમાં આવી જતી હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે આરએએફની ઉપસ્થિતિ માત્રથી પણ હુલ્લડો થતા નથી. તેમણે આફ્રિકાના લાઇબેરિયામાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ગયેલી આરએએફની પ્રથમ મહિલા ટુકડીની પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આરએએફની સ્થાપના જે ઉદ્દેશ્યો માટે કરવામાં આવી હતી તે ઉદ્દેશ્યો પૂરા કરવામાં આરએએફ સફળ રહ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જવાનોને તેમના શૌર્ય અને વીરતા માટે મેડલ એનાયત કર્યા હતા, જ્યારે સર્વશ્રેષ્ઠ શૂટિંગ માટે આરએએફની 100મી બટાલિયનને, સર્વશ્રેષ્ઠ ઓપરેશન માટે 104મી બટાલિયનને તથા સર્વશ્રેષ્ઠ એડમીન કાર્ય માટે આરએએફની 108 મી બટાલિયનને ટ્રોફી એનાયત કરી હતી. કેન્દ્રિય ગૃહ મંત્રીએ ભારે વરસાદ છતાં દળના કાર્મિકો, ડોગ સ્કવોડ દ્વારા પ્રદર્શિત કરાયેલા ડેમો અને દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.