મુંબઈઃ કેન્દ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે આપેલી જાણકારી મુજબ, ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ અંતર્ગત તેની ખાસ તૈયાર કરવામાં આવેલી વેબસાઈટ પર પાંચ કરોડથી પણ વધારે સેલ્ફીઓ અપલોડ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 75 વર્ષની સમાપ્તિના અવસરે અને 15 ઓગસ્ટે 76મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વેના દિવસોએ ‘હર ઘર તિરંગા’ ઝુંબેશમાં સહભાગી થવાની દેશવાસીઓને ગઈ 22 જુલાઈએ હાકલ કરી હતી. એમણે કહ્યું હતું કે ‘હર ઘર તિરંગા’ ઝુંબેશ અંતર્ગત નાગરિકોએ પોતપોતાનાં ઘર, ઓફિસ, દુકાન, વાહનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો અથવા પ્રદર્શિત કરવો.
આ ઝુંબેશને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. સાંસ્કૃતિક મંત્રાલયે આ માટે સૌ કોઈનો આભાર માન્યો છે. દેશની આઝાદીના 75 વર્ષનો સ્મરણોત્સવ સાંસ્કૃતિક મંત્રાલયે 2021ની 12 માર્ચથી 75-સપ્તાહના કાઉન્ટડાઉનના રૂપમાં 15 ઓગસ્ટ, 2022 સુધી શરૂ કર્યું, જે 2023ની 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.