રશ્દી પર હુમલા બાદ નુપૂર-શર્માની સુરક્ષા વધારાઈ

નવી દિલ્હીઃ વિવાદાસ્પદ લેખક સલમાન રશ્દી પર ગયા અઠવાડિયે ન્યૂયોર્કમાં કરવામાં આવેલા જીવલેણ ચાકૂ હુમલા બાદ ભારતીય ગુપ્તચર તંત્ર નુપૂર શર્માની સુરક્ષા અંગે ચિંતિત થયું છે. ભારતમાં જન્મેલા 75 વર્ષીય બ્રિટિશ લેખક સલમાન રશ્દીએ 1988માં લખેલા પુસ્તક સેતાનિક વર્સીસમાં ઈસ્લામનું કથિતપણે અપમાન કર્યા બાદ ઈરાનના તે વખતના ધાર્મિક વડા ખોમેનીએ રશ્દીની હત્યા કરવાનો ફતવો બહાર પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નુપૂર શર્માએ નિવેદનો કર્યા બાદ આતંકવાદી સંગઠન અલ-કાયદા દ્વારા મુસ્લિમો માટે ન્યાયની હાકલ કરવામાં આવી હતી. ભારતીય ઉપખંડમાં સક્રિય અલ-કાયદાના AQIS જૂથે ગયા જૂન મહિનામાં તેના એક પ્રવક્તા મારફત એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં મોહમ્મદ પયગંબર વિશે નુપૂર શર્માની ટિપ્પણીનો બદલો લેવાની માગણી કરવામાં આવી હતી.

દરમિયાન, નુપૂર શર્માને હાલ કોઈક અજ્ઞાત સ્થળે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે. સાથોસાથ, નુપૂરની જાન પર રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને ગુપ્તચર તંત્ર સતર્ક બન્યું છે અને એમની સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત બનાવી દીધી છે. નુપૂર શર્માનાં સમર્થનમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ રાજસ્થાનના ઉદયપુર અને મહારાષ્ટ્રના અમરાવતી શહેરોમાં એક-એક હત્યા કરવામાં આવી ચૂકી છે. પયગંબર વિરુદ્ધ નિવેદન કર્યાં બાદ નુપૂર શર્માને ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]