પટનાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે મણિપુરમાં JDUના વિધાનસભ્યોને ભાજપમાં સામેલ કરાવ્યા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે દેશમાં નવું રાજકારણ રમાઈ રહ્યું છે. બીજી પાર્ટીના લોકોને તોડવા એ ખોટું કાર્ય છે. એટલે વર્ષ 2024માં વિપક્ષ એકજૂટ થઈને આ લોકોને સબક શીખવાડશે.
મુખ્ય પ્રધાન નીતીશકુમારે કહ્યું હતું કે દેશમાં હાલના સમયે લોકતાંત્રિક મૂલ્યોનીં ચીંથરાં ઉડાવવામાં આવી રહ્યાં છે. તેમણે 2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી એકતાને લઈને કહ્યું હતું કે જો 2024માં વિપક્ષ એકજૂટ રહ્યો તો નિર્ણય બહુ સારો આવશે. તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે 2024ની ચૂંટણી પછી આ લોકોને સબક શીખવાડીશું. તેમણે સવાલ કર્યો હતો કે બીજી પાર્ટીના લોકોને તોડવા એ કોઈ બંધારણીય કામ છે?
તેમને પત્રકારોએ સવાલ કર્યો હતો કે શું તમે 2024ની ચૂંટણી માટે વિપક્ષી દળોના નેતાઓને મળવા માટે જશો? ત્યારે તેમણે કહ્યું હતું કે હું દિલ્હી જઈશ. જલદી જઈશ. બિહારમાં જનતા દળ યુનાઇટેડની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજે અને કાલે થવાની છે. આ બેઠકને લઈને પટનામાં JDUના પોસ્ટર-બેનર લાગેલાં છે. એવું માનવામાં આવે છે કે 2024માં થનારી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીને મજબૂત કરવા માટે મોટા નિર્ણયો લેવામાં આવે એવી શક્યતા છે.વાસ્તવમાં મણિપુરમાં JDUને મોટો આંચકો લાગ્યો છે. અહીં છમાંથી પાંચ વિધાનસભ્ય ભાજપમાં સામેલ થઈ ગયા છે. JDUએ વડા પ્રધાન મોદી અને ગૃપ્રધાન અમિત શાહ પર મણિપુરમાં પાર્ટી તોડવાનો આરોપ લગાડ્યો છે.