મોંઘવારી મુદ્દે કેન્દ્ર પર રાહુલ ગાંધીના શાબ્દિક-પ્રહાર

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અહીંના રામલીલા મેદાન ખાતે એમના પક્ષ દ્વારા યોજવામાં આવેલી ‘મહંગાઈ પર હલ્લાબોલ’ શિર્ષક સાથેની રેલીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ દેશમાં વધી ગયેલી મોંઘવારી, બેરોજગારીની સમસ્યા વિશે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી અને કહ્યું કે, મોંઘવારી વિરુદ્દ કરોડો લોકોના અવાજે હવે એક વંટોળનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જે દેશની અન્યાયી અને નિર્દયી સરકારને ઉખેડીને ફેંકી દેશે. રાજા એના મિત્રોને કમાણી કરાવવામાં વ્યસ્ત છે અને પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે.

રાહુલે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે વિપક્ષ માટે સંસદમાં બોલવાનો માર્ગ બંધ કરી દીધો છે. તેથી લોકો સાથે જ સીધી વાત કરવાનો અને એમને દેશનું સત્ય જણાવવાનો અમારી પાસે માર્ગ બચ્યો છે. ભય અને નફરતનો ફેલાવો કરીને ભાજપ અને આરએસએસ દેશને નબળો પાડી રહ્યા છે. આનાથી ભારતને નહીં, પણ ચીન અને પાકિસ્તાનને જ લાભ થશે, એવો આક્ષેપ પણ રાહુલે મૂક્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]