નવી દિલ્હીઃ મહરાષ્ટ્રના રાજકીય ઘમસાણ પછી 13-14 જુલાઈએ બેંગલુરુમાં થનારી વિરોધ પક્ષોની બેઠક બીજી વાર ટળી ગઈ છે. મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય ઘટનાક્રમને લીધે આ બેઠકને ટાળવામાં આવી હોવાની સંભાવના છે. આ પહેલાં વિરોધ પક્ષોની બેઠક 10 જુલાઈએ શિમલામાં થવાની હતી, જેને ટાળવામાં આવી હતી.
JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે આ બેઠક હાલમાં રદ કરવામાં આવી છે. નવી તારીખનું એલાન સંસદના ચોમાસુ સત્ર પછી કરવામાં આવશે. આ સાથે અરવિંદ કેજરીવાલને દિલ્હીના વટહુકમ મામલે કોંગ્રેસ ટેકો આપવાની ધરાર ના પાડી હતી. આપ પાર્ટી કહ્યું હતું કે જો કોંગ્રેસ વટહુકમ મામલે અમને ટેકો નહીં આપે તો પાર્ટી વિરોધ પક્ષોની પટનાની બેઠકમાં સામેલ નહીં થાય. કોંગ્રેસે આ મુદ્દે ટેકો આપવાનો તો ઇનકાર કર્યો હતો, બલકે વરિષ્ઠ નેતાઓ અજય માકન, અશોક ગહેલોત અને સચિન પાઇલટ જેવા નેતાઓએ કોંગ્રેસ પાસે ટેકો માગવાને મુદ્દે કેજરીવાલની ટીકા કરી હતી.
કોંગ્રેસના મહા સચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે વડા પ્રધાને હાલમાં NCP પર ભ્રષ્ટાચારનો મોટો આરોપ લગાવ્યો હતો અને હવે આપણે આ રાજકીય નાટક જોયું.એ સ્પષ્ટ છે કે ED અને એની એજન્સીઓની આ રમત છે. એની મહાવિકાસ આઘાડી પર કોઈ અસર નહીં પડે. અમે ભાજપની વિરુદ્ધ મજબૂતીથી લડીશું. તેમણે કહ્યું હતું કે મહરાષ્ટ્રની રાજકીય સ્થિતિની અસર વિપક્ષની એકતા પર નહીં પડે. એ NCPનો આંતરિક મામલો છે. મને વિશ્વાસ છે કે શરદ પવાર આ સ્થિતિને સારી રીતે સંભાળી શકશે.
