કાબુલઃ અફઘાનિસ્તાનમાં રવિવારની મધરાતે આવેલા ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. પાકિસ્તાનની સરહદ પાસે પૂર્વી અફઘાનિસ્તાનમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા ભલે રિક્ટર સ્કેલ પર છની રહી હોય, પરંતુ એનાથી જાનમાલનું મોટા પાયે નુકસાન થયું છે. તાલિબાન સરકારના પ્રવક્તા અનુસાર આ શક્તિશાળી ભૂકંપથી મૃત્યુઆંક વધીને 800થી વધુ પહોંચી ગયો છે, જેમાંથી મોટા ભાગના દૂરના કુનાર પ્રાંતમાં છે. ઉપરાંત 1300થી વધુ લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક સમય મુજબ મધરાતે અફઘાનિસ્તાનના કુનાર અને નંગરહાર પ્રાંતોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પહાડી વિસ્તારોના અનેક જિલ્લાઓમાં મોટા પાયે જાનહાનિ અને મિલકતનું નુકસાન થયું છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર છની તીવ્રતાનો ભૂકંપ નંગરહાર પ્રાંતના જલાલાબાદ શહેરથી 27 કિમી પૂર્વમાં કેન્દ્રિત હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ફક્ત 8 કિમી (પાંચ માઈલ)ની ઊંડાઈ પર હતું. લગભગ 20 મિનિટ બાદ એ જ પ્રાંતમાં બીજો ઝટકો આવ્યો, જેની તીવ્રતા 4.5 અને ઊંડાઈ 10 કિમી હતી.
PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
અફઘાનિસ્તાનમાં થયેલા જાનમાલના નુકસાન પર PM નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં થયેલા જાનમાલના નુકસાનથી અત્યંત દુઃખી છું. આ કઠિન ક્ષણોમાં અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલ થયેલાઓના વહેલી તકે સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ભારત પ્રભાવિત લોકોને તમામ માનવતાવાદી સહાય અને રાહત આપવા તૈયાર છે.
મેડિકલ ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી
તાલિબાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ મતીન કાનીના જણાવ્યા મુજબ મધરાતે આવેલા ભૂકંપમાં કુનારમાં 610 લોકો મર્યા અને 1300 લોકો ઘાયલ થયા. અનેક મકાનો તબાહ થયા છે. કાનીએ જણાવ્યું હતું કે નંગરહારમાં પણ અનેક લોકોનાં મોત થયાં છે અને સૈંકડો ઘાયલ થયા છે.


