કેજરીવાલ અને ‘આપ’ના ટોચના નેતા પૂર દરમિયાન ક્યાં?: વિપક્ષ

નવી દિલ્હીઃ પંજાબ હાલમાં પૂરની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને પક્ષના બે મોટા નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ગેરહાજરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં આ ત્રણેય નેતા રાજ્યમાં ખૂબ જ સક્રિય હતા. શિરોમણી અકાલી દળના નેતા ઇકબાલ સિંહે કહ્યું હતું કે આ નેતાઓ ફક્ત રાજ્યને લૂંટવા માગતા હતા. તેઓ પંજાબ માટે નીતિઓ બનાવે છે, પણ હવે જ્યારે રાજ્ય ભારે સંકટમાં છે, ત્યારે તેઓ ગાયબ છે.

ઇકબાલ સિંહે વધુમાં કહ્યું હતું કે કેજરીવાલ કપાસની વાત એટલા માટે કરી રહ્યા છે કે તેમની નજર ગુજરાત પર છે. શું તેમણે પૂર રાહત માટે વડા પ્રધાનને પત્ર લખ્યો છે? તેમણે પંજાબના લોકોને સાંત્વના આપવા માટે એક નિવેદન પણ જાહેર કર્યું નથી. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે પણ ‘આપ’ પર આક્રમક વલણ દાખવ્યું છે.

કેજરીવાલ ક્યાં છે?: સુખબીર બાદલ

સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે હું CM માનને પૂછવા માગું છું કે પંજાબના આ મુશ્કેલ સમયમાં કેજરીવાલ અને તેમના સાથીઓ ક્યાં છે. માને 2022માં લોકોને કેજરીવાલને એક તક આપવા અપીલ કરી હતી. લોકોએ ‘આપ’ને 92 ધારાસભ્યો આપ્યા. તેઓ અમારું હેલિકોપ્ટર વાપરે છે. પંજાબના ખજાનામાંથી મળતા તેમના ફોટાવાળા બિલબોર્ડ્સ બધે લગાડવામાં આવ્યા છે. દિલ્હીમાં તેમના ઘરે પંજાબ પોલીસના 200થી વધુ જવાનો તૈનાત છે. હવે તેઓ ક્યાં છે?

સિસોદિયા અને જૈન ગુજરાતમાં મોટી પાર્ટી રેલી આયોજિત કરવામાં વ્યસ્ત છે. કેજરીવાલે પણ સંગઠન મજબૂત કરવા માટે આ વર્ષે પંજાબની સતત મુલાકાત લીધી છે, પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોનો તેમણે પ્રવાસ કર્યો નથી. પંજાબ BJP પ્રવક્તા વિનીત જોશીએ કહ્યું હતું  કે દિલ્હીના ‘આપ’ નેતાઓ BJP સામેની ભારે હાર બાદથી પંજાબમાં ડેરો નાખી રહ્યા છે. હવે જ્યારે પંજાબના લોકો મુશ્કેલીમાં છે, ત્યારે તેઓ ગાયબ છે. તેમને લાગે છે કે કોઈ તેમને જોઈ રહ્યું નથી.