‘ઓમિક્રોન દહેશતઃ રસી કદાચ નકામી બની જશે’

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે દુનિયાભરમાં ગભરાટ ફેલાયો છે ત્યારે ભારતની ‘કોવિડ ટાસ્ક ફોર્સ’ના વડા ડો. વી.કે. પૌલે કહ્યું છે કે ઉભરી રહેલી પરિસ્થિતિમાં એવું લાગે છે કે આપણી રસીઓ પણ કદાચ બિનઅસરકારક બની જશે. આ માટે આપણે રસીઓમાં આવશ્યક્તા અનુસાર સુધારા કરવા પડશે.

કોવિડ-19 બૂસ્ટર રસી બનાવીએ છીએઃ અદર પૂનાવાલા

દરમિયાન, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું છે કે ઓમિક્રોન સામે વધારે અસરકારક બની રહે એવી કોવિડ-19 બૂસ્ટર રસી અમે બનાવી રહ્યા છીએ. પ્રાપ્ત કરેલી માહિતીના આધારે એમ કહેવું સલામતીભર્યું છે કે શરીરમાં એન્ટીબોડિઝ ઘણે અંશે વધારવા માટે બૂસ્ટર રસી એક સિદ્ધ રણનીતિ છે.